વીજ સરપ્લસ સ્ટેટના દાવા વચ્ચે સરકારે ૫૦૦ મે.વો.ખરીદવા ટેન્ડર બહાર પાડ્યું
વાર્ષિક ૧૮-૧૯ મે.વો.ની જરૂરિયાતને પહોંચી શકાતું નથી ! -સરકારી એકમોની ક્ષમતા ૬,૬૭૭ મે.વો.ની પણ માત્ર ૬ એકમો જ ૩૫ ટકા પીએલએફથી ચલાવાય છે
ગાંધીનગર, ગુજરાત સરકાર વીજળીના ઉત્પાદનની બાબતમાં સરપ્લસ સ્ટેટ હોવાનો હંમેશા દાવો કરે છે, પરંતુ ફરી એકવાર એણે આવતા ઉનાળાની વીજળીથી જરૂરિયાતને ધ્યાને રાખી જીયુવીએનએલ મારફતે ૫૦૦ મેગાવોટ વીજળી ખાનગી ઉત્પાદકો પાસેથી મેળવવા બિડ બહાર પાડ્યું છે.
ગુજરાત સરકાર રાજ્યમાં ૨૮,૬૪૨ મેગાવોટ વીજઉત્પાદનની ક્ષમતા હોવાનો દાવો કરે છે, છતાં આ સ્થિતિ છે. જીયુવીએનએલએ બહાર પાડેલા ટેન્ડર મુજબ તે ૧૫ માર્ચથી ૩૦ જૂન સુધીના ૧૦૫ દિવસના ગાળામાં આ ૫૦૦ મેગાવોટ નવી વીજળી ખરીદશે. રાજ્યમાં ૨૦૧૯માં ૧૮,૪૬૨ મેગાવોટ વીજળીનો અને ૨૦૨૦માં લોકડાઉન કોરોનાને કારણે પીક ડિમાન્ડ અત્યાર સુધી માંડ ૧૫,૬૪૦ મેગાવોટે પહોંચી છે
તેમજ સામાન્ય સંજાેગોમાં રાજ્યની વીજ જરૂરિયાત ૧૯ હજાર જેટલી જ રહેતી હોય છે. આની સામે જીસેક હેઠળના સરકારી એકમોની ક્ષમતા ૬,૬૭૭ મેગાવોટ, ખાનગી એકમોની ૬,૩૯૭ મેગાવોટ, સેન્ટ્રલ સેક્ટરમાંથી મેળવવાની ૬,૫૦૮,મેગાવોટ પવનઊર્જા ૬,૩૦૨ મેગાવોટ અને સોલર ૨,૭૫૮મેગાવોટ મળીને કુલ વીજક્ષમતા ૨૮,૬૪૨ મેગાવોટની છે, છતાંય સરકારે ૫૦૦ મેગાવોટ વીજળી ખરીદવા ટેન્ડર બહાર પાડવું પડે છે.
આ સ્થિતિ એટલા માટે છે કેમ કે સરકારી એકમોની ૬,૬૭૭ મેગાવોટની ક્ષમતા સામે ૧૯૬૦ મેગાવોટની ક્ષમતાવાળા માત્ર ૬ સરકારી એકમો જ કાર્યક્ષમ છે અને એ પણ ૩૫ ટકા પીએલએફથી જ ચલાવાય છે. બીજી તરફ ગેસ આધારિત એકમો પણ નહિવત ક્ષમતા વપરાશથી ચાલી રહ્યાં છે, તદુપરાંત પવન અને સૂર્ય આધારિત વીજએકમોમાંથી બહુ ઓછા પ્રમાણમાં વીજળી મળે છે, જેને કારણે આ સ્થિતિ છે.