વીઝાના બહાને પટેલ પરિવાર સાથે ૮.૫૦ લાખની છેતરપિંડી
અમદાવાદ: શહેરના ન્યૂ રાણીપમાં રહેતા અને મેટલનો વ્યવસાય કરતા એક વેપારીના પરિવારને અમેરિકાના વીઝા અપાવવાનું કહીને એજન્ટે ૮.૫૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઘટનાની વિગતો મુજબ, નરોડામાં મેટલનો વ્યવસાય કરતા બળદેવ પટેલ (ઉંમર ૪૨ વર્ષ) તેમના પત્ની રશ્મિકાબેન તથા બે દીકરા ઋષિક અને યશ સાથે ન્યૂ રાણીપમાં રહે છે.
દોઢ વર્ષ પહેલા તેમણે અમેરિકા જવાનું હોવાથી માણસામાં રહેતા પોતાના મિત્ર અરવિંદભાઈને જણાવ્યું હતું. અરવિંદભાઈએ પોતાના વીઝા કરાવી આપનારા અને હાલમાં મુંબઈના નાલાસોપારામાં રહેતા મૂળ કલોલના પલિયડ ગામના એજન્ટ દિનેશ નાઈનું નામ આપ્યું હતું. દિનેશ સાથે વાત થયા બાદ ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ પોતાના ભત્રીજા સાથે બળદેવભાઈને મળવા આવ્યો હતો.
વાતચીતના અંતે ૪૫ લાખમાં વીઝા અપાવવાનું નક્કી થયું. જેમાં વીઝો પ્રોસેસ શરૂ થાય ત્યારે ૧૧ લાખ તથા અમેરિકા પહોંચીને ૩૪ લાખ આપવા કહેવાયું. બળદેવભાઈએ પોતાના પત્ની તથા દીકરાના પાસપોર્ટ દિનેશને આપી દીધી અને તે જ સાંજે આંગડીયા બાદ ૩ લાખ મુંબઈ મોકલી આપ્યા. ૬ ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં બળદેવભાઈએ ટુકડે-ટુકડે કરીને ૧૧ લાખ આપ્યા છતાં તેમને અમેરિકા ન મોકલાતા તેમણે પોતાના પૈસા પાછા માગ્યા હતા. જેથી દિનેશે આંગડીયા દ્વારા પાસપોર્ટ પાછા આપ્યા અને ૨.૫૦ લાખ બેંક ટ્રાન્સફર કરી આપ્યા.
પરંતુ બાકીના ૮.૫૦ લાખ પરત ન મળતા બળદેવભાઈએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં દિનેશ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. એજન્ટ દિનેશે ૪ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ બળદેવભાઈને વિડીયો ફોન કરીને વીઝા મળ્યું હોવાનું કહીને કોપી બતાવી હતી. ૨૪ ડિસેમ્બરની અમેરિકાની ટિકિટો બતાવી તેમનું કામ થઈ ગયું હોવાનો વિશ્વાસ અપાવ્યો.
આ બાદ અમદાવાદ જઈને ૧.૫૦ લાખ રોકડા લીધા. જોકે બાદમાં ‘હાલમાં અમેરિકામાં થોડી પ્રોબ્લેમ ચાલે છે તો અત્યારે ત્યાં જઈ શકાશે નહીં’ તેવું બહાનું બનાવ્યું હતું. શંકા જતા બળદેવભાઈએ પોતાના પાસપોર્ટ તથા આપેલા રૂપિયા પાછા માગવાનું શરૂ કર્યું હતું.