વીડિયો લેનારા સહિત ૧૮ સાક્ષીઓની જુબાની લેવાઈ
સુરત, પાછલા મહિને સુરતના પાસોદરામાં બનેલી ૨૧ વર્ષની ગ્રીષ્મા વેકરિયા હત્યાની ઘટનાએ સૌ કોઈને હચમચાવી દીધા હતા. આજે પણ આ બનાવને યાદ કરતા લોકોને ધ્રૂજારી છૂટવા લાગે છે. બીજી તરફ આરોપી ફેનિલ પોતાનો ગુનો કબૂલવા તૈયાર નથી ત્યારે તેને કડકમાં કડક સજા મળે તેવી મજબૂત ચાર્જશીટ અને પૂરાવા સુરત પોલીસ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે.
આરોપી ફેનિલ ગોયોણી સામે ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવી રહ્યો છે. હવે આ કેસમાં આરોપીનો ગુનો સાબિત કરવા માટે ગુરુવારે મહત્વના પુરાવા અને જુબાનીઓને રજૂ કરવામાં આવ્યા હતા.
ગ્રીષ્માની હત્યા કરાઈ તે દરમિયાન વીડિયો ઉતારનાર અને હત્યારા ફેનિલે ઘટના બાદ જે વ્યક્તિને ફોન કર્યો હતો તે તમામની જુબાની ગુરુવારે લેવામાં આવી હતી. આ કેસમાં આરોપી ફેનિલને ઝડપી અને કડક સજા થાય તે માટે સરકારી વકીલ નયનભાઈ સુખડવાળા દ્વારા પણ સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
તેમણે ગુરુવારે થયેલી સુનાવણી અંગે જણાવ્યું કે, જ્યારે આરોપી ફેનિલ ગ્રીષ્માની હત્યા કરી રહ્યો હતો ત્યારે મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડિંગ કરનારની જુબાઈની કોર્ટમાં લેવાઈ હતી, આ સિવાય ફેનિલે ગ્રીષ્માની હત્યા બાદ કર્યા પછી પોતાના મિત્રને ફોન કરીને ઘટના અંગે જણાવ્યું હતું, તેની પણ કોર્ટ દ્વારા જુબાની લેવામાં આવી હતી. આમ કુલ ૧૮ની જુબાની લેવામાં આવી છે.
આરોપીએ ગ્રીષ્માની સોસાયટીમાં રહેતા લોકો અને તેના પરિવારની સામે હત્યા કરી હોવા છતાં તે હવે ફરી ગયો છે. આવામાં તેને કડક સજા થાય તે માટે પૂરાવા અને જુબાનીઓને રજૂ કરાઈ રહ્યા છે. પોલીસે આ ઘટનાની તપાસ માટે ફોરેન્સિક પુરાવા મેળવ્યા હતા અને જે DVD રજૂ કરાઈ હતી તે માટે પણ જુબાની લેવાઈ હતી.
આ અગાઉ પોલીસે જે ડૉક્ટરો દ્વારા મૃતકનું પીએમ અને ગ્રીષ્માના પરિવારના ઘાયલોની સારવાર કરી તેમની પણ જુબાની લેવામાં આવી હતી. આ કેસ ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ચાલી રહ્યો હોવાથી દરરોજ કેસની લગતા પુરાવા, જુબાની આરોપીના નિવેદન સહિતની કામગીરી કરવામાં આવતી રહે છે. આરોપી ફેનિલે ર્નિદયતાથી જાહેરમાં જે કૃત્ય કર્યું હતું તેણે સૌ કોઈને હચમચાવી દીધા હતા.
જે બાદ આરોપી ફેનિલને ફાંસીના માચડે લટકાવી દેવાની સજા કરવાની માંગ ઉઠી રહી છે. બીજી તરફ સરકારી વકીલ અને સુરત પોલીસ દ્વારા પણ આરોપીને કડકમાં કડક સજા થયા તે માટેના પ્રયાસ કરાઈ રહ્યા છે. સુરત પોલીસે આ કેસમાં આરોપી ફેનિલ સામેના મજબૂત પુરાવા એકઠા કરીને તેની સામે ચાર્જશીટ રજૂ કરાઈ હતી. આ કેસ સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરાયો છે. આરોપી ફેનિલની સામે કેસ ચાલી રહ્યો છે ત્યારે તેને લાજપોર જેલમાં બંધ રાખવામાં આવ્યો છે.SSS