Western Times News

Gujarati News

વીતેલાં આઠ વર્ષમાં ગુજરાતના ગૃહ વિભાગનું બજેટ ૯૩૮% વધ્યું તો પણ રાજ્યમાં ક્રાઇમની સંખ્યા બમણી

અમદાવાદ, આગામી ૩ માર્ચને ગુરુવારના રોજ વર્ષ ૨૦૨૨-૨૩ માટે રાજ્યનું અંદાજપત્ર રજૂ થવા જય રહ્યું છે ત્યારે ગુજરાત બજેટના છેલ્લાં ૮ વર્ષના આંકડાઓના એક અખબારના અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે રાજ્યના અંદાજપત્રમાં અન્ય વિભાગોની સરખામણીએ ગૃહ વિભાગને ફાળવવામાં આવતી રકમમાં ૯૩૮% વધારો થયો છે.

આમ છતાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરાના ૨૦૧૭-૨૦૨૦ના રેકોર્ડ મુજબ રાજ્યમાં ગુનાઓની સંખ્યા જાેઈએ તો એમાં ચાર વર્ષમાં બમણી થઈ છે. ગૃહ વિભાગને ૨૦૧૪-૧૫માં રૂ. ૭૬૭ કરોડ ફાળવાયા હતા અને ૨૦૨૧-૨૨ના બજેટમાં આ વિભાગને રૂ. ૭૯૬૦ કરોડ એલોટ કરવામાં આવ્યા હતા.

ગુજરાત રાજ્યના બજેટના આંકડા મુજબ, સરકાર ગૃહ વિભાગ પર દર વર્ષે ૩%થી લઈને ૩.૫૦% સુધીની ફાળવણી કરવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૧૪-૧૫થી ૨૦૧૬-૧૭ દરમિયાન ગૃહ વિભાગના ફાળે કુલ બજેટમાંથી ૨%થી પણ ઓછી રકમ આવતી હતી.

જાેકે ત્યાર બાદથી સરકાર આ વિભાગ પર વાર્ષિક રૂ. ૫૦૦૦-૭૦૦૦ કરોડનો ખર્ચ કરે છે. છેલ્લાં આઠ વર્ષ દરમિયાન ગૃહ વિભાગનું બજેટ સૌથી વધુ ૯૩૮% વધ્યું છે. આ સિવાય મહેસૂલ વિભાગનું બજેટ ૮૩૫%, ક્લાઇમેટ ચેન્જ માટે ૭૨૭% જેવો વધારો કરવામાં આવ્યો છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો મુજબ, ગુજરાતમાં ઇન્ડિયન પીનલ કોડ હેઠળના ક્રાઇમની સંખ્યા ૨૦૧૭માં ૧.૨૯ લાખ હતી, એ ૨૦૨૦માં વધીને ૩.૮૨ લાખ થઈ ગઈ છે, એટલે કે આઇપીસી ક્રાઇમની સંખ્યામાં ૧૯૬%નો વધારો થયો છે. એવી જ રીતે સ્પેશિયલ એન્ડ લોકલ લોઝ હેઠળના ગુનાની સંખ્યા આ સમયગાળામાં ૨ લાખથી વધીને ૩.૧૮ લાખ થઈ ગઈ છે. એસએલએલ ગુનાની સંખ્યામાં ૫૯%નો વધારો થયો છે.

સરકાર પોલીસ અને ગૃહ વિભાગ પર હજારો કરોડોનો ખર્ચ કરે છે. આમ છતાં ઇન્ડિયન પોલીસ ફેડરેશનના સ્માર્ટ પોલિસિંગ ઇન્ડેક્સ ૨૦૨૧ મુજબ, દેશના પોલીસ રેન્કિંગમાં ટોપ-૫માં ગુજરાત પોલીસ આવતી નથી. આ ગુજરાત પોલીસનું રેન્કિંગ ૭મા ક્રમે છે.

દેશમાં ટોપ પર આંધ્રપ્રદેશ છે. આસામ, મિઝોરમ, સિક્કિમ કેરળ જેવાં નાનાં રાજ્યોની પોલીસ પણ ગુજરાત કરતાં રેન્કિંગમાં આગળ છે. ગુજરાત રાજ્યના બજેટનું કદ છેલ્લાં ૮ વર્ષમાં ૨૬૭% જેટલું વધ્યું વધ્યું છે.

મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની સરકારે ૨૦૧૪-૧૫માં રૂ. ૬૧,૯૪૦ કરોડનું બજેટ આપ્યું હતું. એની સામે ૨૦૨૧-૨૨માં વિજય રૂપાણીની સરકારે રૂ. ૨,૨૭,૦૨૯ કરોડનું બજેટ આપ્યું હતું. ગત વર્ષના બજેટમાં સૌથી વધુ ફોકસ શિક્ષણ, નર્મદા, જળસંપત્તિ,પાણી પુરવઠા અને કલ્પસર, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ જેવાં ક્ષેત્રો પર રહ્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.