વીરાના ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત હતી
મુંબઈ, ૧૯૮૮માં રિલીઝ થયેલી ફિલ્મ વીરાના આજે પણ ભારતીય સિનેમાની સૌથી હોરર ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે. આ ફિલ્મને તુલસી રામસે અને શ્યામ રામસેએ મળીને ડાયરેક્ટ કરી હતી. ફિલ્મ એટલી હિટ રહી કે તેની સ્ટાર જૈસ્મીન રાતોરાત ફેમસ થઈ ગઈ છે.
આખી દુનિયામાં તેની સુંદરતાની ચર્ચા હતી. પરંતુ આ ફિલ્મ સાથે જાેડાયેલા કેટલાક એવા કિસ્સાઓ પણ છે જે ચોંકાવનારા છે. આમ તો રામસે બ્રધર્સ હૉરર ફિલ્મો માટે જાણીતા હતા. પરંતુ કહેવામાં આવે છે કે વીરાના ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે.
રામસે બ્રધર્સમાંથી એક શ્યામ રામસે સાથે એક રાત્રે એવું થયું કે પછી તેના પરથી આખી ફિલ્મ બની ગઈ. ૧૯૮૩ની વાત છે જ્યારે શ્યામ રામસે તેમની ટીમ સાથે મહાબળેશ્વરમાં ફિલ્મ પુરાના મંદિરનું શૂટિંગ કરી રહ્યા હતા. કામ પુરું થયા બાદ આખી ટીમ મુંબઈ આવી ગઈ પરંતુ શ્યામ રામસે ત્યાં કેટલાક દિવસ રોકાવા માંગતા હતા.
કેટલાક દિવસ બાદ તેઓ જાતે ડ્રાઈવ કરીને મહાબળેશ્વરથી મુંબઈ આવી રહ્યા હતા. રાત્રે શ્યામ રામસે જે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તે સૂમસામ હતો. એવામાં તેમને રસ્તા પર એક મહિલા જાેવા મળી, જે લિફ્ટ માંગી રહી હતી. શ્યામ રામસેએ મહિલાની મદદ કરવા માટે કાર રોકી દીધી.
મહિલા કારની ફ્રંટ સીટ પર આવીને બેસી ગઈ.શ્યામે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ મહિલા ચહેરો બીજી તરફ કરીને બેઠી હતી. મહિલા ખૂબસુરત હોવાની સાથે અજીબ પણ હતી. ગાડી ચલાવતા સમયે શ્યામની નજર અચાનક મહિલાના પગ તરફ ગઈ અને તેને જાેતા શ્યામ રામસે ડરથી ધ્રુજવા લાગ્યા. કારણ કે મહિલાના પગ પાછળ તરફ વળેલા હતા. ગભરાઈને તેમણે બ્રેક લગાવી દીધી.
ગાડી રોકાતા જ મહિલા ગાયબ થઈ ગઈ. આ ઘટના બાદ શ્યામ રામસે ખૂબ જ ગભરાઈ ગયા અને ગમે એમ કરીને મુંબઈ પહોંચ્યા. શ્યામ રામસેના મન પરથી આ ઘટના ક્યારેય ન ભૂંસાઈ. તેમણે લગભગ પાંચ વર્ષ બાદ ૧૯૮૮માં આ ઘટના પર ફિલ્મ વીરાના બનાવી.
જેને દર્શકો અને સમીક્ષકોએ ખૂબ જ પસંદ કરી. આ ઘટના કેટલી સાચી છે તે શ્યામ રામસે જ જાણતા હતા. પરંતુ આ ઘટનાનો ઉલ્લેખ ફતેહચંદ રામસેની દોહિત્રી અલીખા પ્રીતી કૃપલાનીએ તેની બુક ‘ઘોસ્ટ ઈન અવર બેકયાર્ડ’માં કર્યો છે.SS1MS