વીર નર્મદ યુનિ. હોસ્ટેલના વિદ્યાર્થીએ કરેલો આપઘાત
જિંદગીથી હારી ગયો હોવાની બાબત વિદ્યાર્થીએ આપઘાત અંગેની નોંધમાં કરીઃ પોલીસ દ્વારા મામલામાં ઉંડી તપાસ
અમદાવાદ, સુરત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલી સમરસ હોસ્ટેલમાં પરીક્ષાના દિવસે જ બીઈ(બેચલર ઓફ એન્જિનીયરીંગ)ના એક વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. સ્ટુડન્ટના આપઘાતનું કારણ હાલ જાણવા મળ્યું નથી. જા કે, પોલીસને સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં લખ્યું હતું કે, જિંદગીથી હારી ગયો છું. આપઘાત માટે જાતે જવાબદાર છું. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.
ખાસ કરીને સ્થાનિક શિક્ષણજગતમાં અને વિદ્યાર્થીઆલમમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ ભાવનગરનો દીપક બોરીચા(ઉ.વ.૨૦) ઉધના મગદલ્લા રોડ પર આવેલી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલી સમરસ હોસ્ટેલમાં ચોથા માળે રૂમ નંબર-૪૦૫માં રહેતો હતો અને બીઈના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આજે બીઈના ત્રીજા વર્ષની પરીક્ષાનું પહેલું પેપર હતું. જા કે, સૌના આશ્ચર્ય વચ્ચે પરીક્ષા પહેલાં જ દીપકે હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. બીઇના વિદ્યાર્થીની આત્મહત્યાને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી.
બીજીબાજુ, ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. જા કે, સ્ટુડન્ટે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા મળ્યું નથી. પોલીસે આપઘાત કરનાર સ્ટુડન્ટના રૂમમાં તપાસ કરતા એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, જિંદગીથી હારી ગયો છું. આપઘાત માટે મને કોઈનું દબાણ નથી. જાતે જવાબદાર છું. પોલીસે સ્યુસાઈડ નોટ આધારે વધુ તપાસ હાથ ધરી છે. અલબત્ત, બનાવને પગલે સ્થાનિક શિક્ષણજગતમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.