વીર ભગત સિંહ હોલના વપરાશ માટે ભાડા નક્કી થયા
વહીવટીતંત્રના વડા નારાજ ન થાય તેની તકેદારી રાખવા સ્ટેન્ડીંગ સભ્યોને સૂચના આપવામાં આવી હોવાની ચર્ચા
(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે ફોગીંગ અને દવા છંટકાવ કરવા માટે વધુ એક વખત સત્તાધારી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જ્યારે ગોમતીપુર વિસ્તારમાં નવીનીકરણ કરવામાં આવેલા વીર ભગતસિંહ હોલના ભાડ નક્કી કરવામાં આવ્યા છે.
મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટના જણાવ્યા મુજબ ગોમતીપુરના નાગરીકો માટે વીર ભગતસિંહ હોલનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરનું બાંધકામ કરવામાં આવ્યું છે. નવીનીકરણ થયેલા હોલની બી.યુ. માર્ચ-૨૦૨૧માં ઈશ્યુ થઈ છે. સદર હોલના માત્ર ગ્રાઉન્ડ ફ્લોરના વપરાશ માટે રૂા.૧૨ હજાર ભાડુ લેવામાં આવશે. હાલેમાં વહીવટી ચાર્જ પેટે રૂા.૧૫૦૦ અને સફાઈ ચાર્જના રૂા.૧૫૦૦ અલગથી લેવાશે. જ્યારે ડીપોઝીટ પેટે રૂા.૧૨ હજાર લેવામાં આવશે. આમ, માત્ર ગ્રાઉન્ડ ફ્લોરના વપરાશ માટે રૂા.૨૭ હજાર ભરવાના રહેશે.
હોલના પ્રથમ માળના વપરાશ માટે રૂા.૧૬ હજાર ભાડુ તથા રૂા.બે હજાર વહીવટી ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. સંપૂર્ણ હોલના વપરાશ માટે રૂા.૨૮ હજાર ભાડુ, વહીવટી ચાર્જના રૂા.૩૫૦૦ તેમજ સફાઈ ચાર્જના રૂા.૩૦૦૦ લેવામાં આવશે. પૂર્વ ઝોનના નિકોલ પાર્ટી પ્લોટ માટે રૂા. ૧૦,૦૦૦, જશોદા નગર પાર્ટી પ્લોટ માટે રૂા.૧૦,૦૦૦, સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક હોલ/પાર્ટી પ્લોટ માટે રૂા.૭૫૦૦ ભાડુ લેવામાં આવે છે.
જ્યારે શહીદ વીર મંગલ પાંડે ઓડી.હોલના વપરાશ માટે ત્રણ શીફ્ટનું ભાડુ રૂા.૧૮ હજાર લેવામાં આવી રહ્યું છે. સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ રજૂ કરવામાં આવેલી તમામ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. રખડતા કૂતરાઓનો ત્રાસ અટકાવવા અને નિયમ મુજબ રસીકરણ કરવા માટે માન્યતા પ્રાપ્ત સંસ્થાઓને કોન્ટ્રાક્ટથી કામ સોંપવામાં આવ્યા છે. કમલા નહેરૂ પ્રાણી સંગ્રહાલય તથા નોકરર્નલ ઝૂના વન્ય પ્રાણીઓ, પક્ષીઓ તથા સરીસૃપોની ખોરાકી માટે અનાજ, કેટલસુડ અને પરચૂરણ ખોરાક સપ્લાય કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે.
શહેરનાં મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે ઝીરો અવર્સ દરમિયાન સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. શહેરના તમામ વોર્ડમાં સ્ટેન્ડીંગના પ્રમાણમાં વધારો કરવા અને દવા છંટકાવ કરવા સભ્યોએ સૂચન કર્યા હતા. શહેરના તળાવો પણ મચ્છર ઉત્પત્તિના કેન્દ્ર બની ગયા છે. તળાવ સફાઈ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. પરંતુ નિયમિત સફાઈ થતી નથી. મ્યુનિ.આરોગ્ય ખાતાને તળાવોની યોગ્ય સફાઈ કરવા વધુ એક વખત તાકીદ કરવામાં આવી છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે બુધવારની હેલ્થ કમીટી બેઠકમાં પણ ફોગીંગ, દવા છંટકાવ અને સફાઈ માટે રજૂઆત થઈ હતી. સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં પણ સભ્યોએ આ જ વાનને દોહરાવી હતી. ભાજપના સૂત્રોએ જણાવ્યા મુજબ મોટાભાગના સભ્યો નવા હોવાથી તેમની પાસે ચર્ચા કરવા માટે પૂરતી માહિતી હોતી નથી. જ્યારે કમીટીના આંતરીક સૂત્રોમાં થતી ચર્ચા મુજબ એસવીપી હોસ્પિટલમાં વેન્ટીલેટર ખરીદી માટે કમીટી સભ્ય અને કમીશનર વચ્ચે ચડભડ થઈ હતી. તેના કારણે કમીટી સભ્યોને ઝીરો અવર્સમાં પૂરતી માહિતી વિના ચર્ચા કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ વહીવટી તંત્રના વડા નારાજ ન થાય તેની તકેદારી રાખવા માટે એજન્ડા મીટીંગમાં ખાસ સૂચના આપવામાં આવી રહી છે.