‘વીર સાવરકર સ્પોર્ટસ્ સંકુલ’ શ્રમિકોની વતન વાપસી માટેનું રવાનગી-કેન્દ્ર/ડિપાર્ચર-પોઇન્ટ બન્યુ
શ્રમિકોની વતન વાપસી સુવિધાજનક બનાવતો તંત્રનો સફળ પ્રયાસ
જિલ્લાના શ્રમિકોએ વતન ભણી પ્રયાણ આદર્યું છે ત્યારે પ્રશાસન તેઓની શક્ય તમામ સહાયતા કરી રહ્યું છે.
છેલ્લા અમુક દિવસોથી વહીવટીતંત્ર અને જિલ્લા કલેકટરશ્રીની અપીલ છતાં સરકારી કચેરી ખાતે શ્રમિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ઘણીવાર લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળે છે. પોતાના વતન જવા આતુર શ્રમિકોને આયોજનબદ્ધ રીતે રવાના કરી શકાય તે માટે શહેરના મેમ્કો વિસ્તારના ‘વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ’ને ડિપાર્ચર પોઇન્ટ બનાવવામાં આવ્યું છે.
અહીં આવતા શ્રમિકોની નોંધણી, આરોગ્ય તપાસ અને ટ્રેન ફાળવણી કરવામાં આવે છે. આ દરમિયાન શ્રમિકો માટે અહીં પીવાનું પાણી અને ભોજન- નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમી-તાપથી બચવા મંડપ તથા સૂચના પ્રસારણ માટે લાઉડ સ્પીકરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન થાય અને શ્રમિકો નિરાંતે વતન ભણી જઈ શકે તે માટે તમામ વ્યવસ્થાઓ અહીં કરવામાં આવી છે.
પ્રાંત અધિકારી શ્રીમતિ અનસુયા જ્હાએ જણાવ્યા મુજબ, રવાનગી કેન્દ્ર ખાતેથી શ્રમિકોને બસ મારફત રેલવે સ્ટેશન લઈ જવામાં આવે છે. શ્રમિકોની વતન વાપસી સુવિધાજનક બની રહે તે માટે આ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે.