વીવીઆઈપીઓની સાથે સિકયુરીટી પણ વિદેશ જશે
નવી દિલ્હી : સ્પેશિયલ પ્રોટેક્શન ફોર્સમાં રહેનાર દરેક વીવીઆઈપીને આ ખાસ સુરક્ષા કવરને સમગ્ર નિયમ સાથે પાળવાનો રહેશે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, હવે જેને પણ એસપીજી છત્ર મળેલું છે તેને દરેક વખતે એસપીજીની ટીમ પોતાની સાથે રાખવી પડશે.
વિદેશમાં જશે તો પણ આ છત્રની સુવિધા રાખવી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગાંધી પરિવારના ત્રણેય સભ્યો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને એસપીજી છત્ર મળેલું છે. ગાંધી પરિવાર પર નજર રાખવાની ભાજપ સરકારે યોજના બનાવી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.
કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા બ્રજેશ કલપ્પાએ કહ્યું છે કે, સીધીરીતે નજર રાખવાનો આ મામલો છે. બીજી બાજુ ભાજપે કોંગ્રેસ પાર્ટીના આ આક્ષેપને ફગાવી દીધો છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા દિગ્ગજ નેતાનું કહેવું છે કે, અતિ વિશેષ લોકોની સુરક્ષાની જવાબદારી કેન્દ્ર સરકારની હોય છે જેથી દરેક વીઆઈપી લોકોને દરેક જગ્યા પર સુરક્ષા સુવિધા લઇને જવું પડશે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તાનું કહેવું છે કે, ભાજપ સરકારની રણનીતિ ખોટી છે.