વી.એસ. હોસ્પિટલનું રૂા.૧૦૦ કરોડના ખર્ચથી નવીનીકરણ કરવામાં આવશે
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રેરણા બાદ ૧૯૩૧ની સાલમાં કાર્યરત થયેલ શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલનો મુખ્ય હેતુ ગરીબ દર્દીઓને રાહતદરે શ્રેષ્ઠ સારવાર આપવાનો હતો. પરંતુ ૨૦૧૩ની સાલ માં તત્કાલીન શાસક પાર્ટીએ એક ઠરાવ કરીને વી.એસ.ને નામશેષ કરી હતી. તેમજ ૧૧૦૦ બેડની હોસ્પિટલ ને માત્ર ૧૨૦ બેડથી ચલાવવામાં ર્નિણય કર્યો હતો.
વી.એસ.ટ્રસ્ટીઓની લાંબી લડત બાદ બેડની સંખ્યા ૧૨૦ થી વધારી ૫૦૦ સુધી લઈ જવા માટે સત્તાધારી પાર્ટીએ ૨૦૧૮માં જાહેરાત કરી હતી પરંતુ આ જાહેરાત માત્ર કાગળ પર જ રહી હતી તથા શાસકોની નિષ્ક્રિયતાના કારણે વીએસ જેવી માતબર હોસ્પિટલ માત્ર નાની કલીનીક બનીને રહી ગઈ હતી.
પરંતુ કોરોના કાળમાં દર્દીઓને સારવાર જે હાલાકી થઈ હતી તેને ધ્યાનમાં લઈ ફરીથી વીએસ હોસ્પિટલને ધમધમતી કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. અંદાજે રૂા.૧૦૦ કરોડના ખર્ચથી હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવશે. વી.એસ. હોસ્પિટલના નવીનીકરણ માટે હાલ તેની ડીઝાઇન માટે મ્યુનિ. દ્વારા ટેન્ડરીંગની કામગીરી પુર્ણ કરવામાં આવી છે.
સ્ટેન્ડીંગ કમિટિની બેઠક પુરી થયા બાદ મેયર કિરીટી પરમાર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતુંકે, જે રીતે પુર્વના સરસપુર વિસ્તારમાં શારદાબેન હોસ્પિટલના નવીનીકરણનો પ્રોજેક્ટ મ્યુનિ. દ્વારા હાથ ધરાયો છે તેરીતે જ વી.એસ. હોસ્પિટલ માટે પણ મ્યુનિ. દ્વારા નવીનીકરણની તૈયારી કરવામાં આવી છે. વી.એસ. હોસ્પિટલના માત્ર હેરીટેજ લુક સિવાયની તમામ માળખુ નવેસરથી બનાવવા માટે ડીઝાઇન તૈયાર કરવા માટે ટેન્ડર દ્વારા કામ સોંપવામાં આવ્યું છે.
શારદાબેન હોસ્પિટલને નવેસરથી બનાવવા માટે ડીઝાઇન બનાવવા માટે જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, તે ટેન્ડરમાં આવેલા સેકન્ડ લોએસ્ટ ટેન્ડરરને મ્યુનિ.એ વી.એસ. હોસ્પિટલની ડીઝાઇન તૈયાર કરવાનું કામ પ્રથમ લોએસ્ટનાભાવે કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું છે.
વીએસ હોસ્પિટલમાં ૪૦ ICU બેડ, ૩૫૦ જનરલ બેડ, ૮ ઓપરેશન થિયેટર, સ્પેશિયલ રૂમ, ઓપીડી કન્સલ્ટન્ટેશન રૂમ હશે. જ્યારે શારદાબેન હોસ્પિટલમાં ૭૫૦ જનરલ બેડ, ઓપરેશન થિયેટર, સ્પેશિયલ રૂમ, અદ્યતન ઓપીડી કોમ્પલેક્ષ, ૯૮ જેટલા ઇમરજન્સી મેડિકલ અને સર્જિકલ આઇસીયુ, પીડિયાટ્રિક અને બર્ન્સ આઇસીયુ હશે. અદ્યતન હોસ્પિટલ બન્યા બાદ શહેરીજનોને વધુ સારી સારવાર મળી રહેશે તેવો દાવો મેયર કિરીટ પરમારે કર્યો છે.