V S હોસ્પિટલનું રૂા.૭૦ કરોડના ખર્ચથી નવીનિકરણ થશે
હોસ્પિટલને પુનઃ ધમધમતી કરવા ભાજપ કટીબધ્ધ : હિતેશભાઈ બારોટ
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નામશેષ કરવામાં આવેલી ઐતિહાસિક શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલને ફરીથી ધમધમતી કરવા માટે શાસકોએ પ્રયાસ શરૂ કર્યા છે. જયારે શારદાબેન અને એલ.જી.હોસ્પીટલમાં બજેટના કામો ઝડપથી પૂર્ણ કરવા માટે વહીવટીતંત્રને સુચના આપવામાં આવી છે.
અમદાવાદ શહેરની ઐતિહાસિક શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલને નામશેષ કરવા માટે ર૦૧૩ની સાલમાં વી.એસ. અને મ્યુનિ. બોર્ડમાં ઠરાવ થયો હતો જેનો વી.એસ.ના ટ્રસ્ટીઓ તથા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. મ્યુનિ. ભાજપના શાસકોએ વી.એસ.ને તેના મુળ માળખા એટલે કે ૧૯૩૧માં કાર્યરત થઈ તે સમયની અવસ્થામાં ફેરવવા ઠરાવ કર્યા હતા જે મુજબ વી.એસ.ને માત્ર ૧ર૦ પથારીથી જ ચલાવવાની હતી પરંતુ ટ્રસ્ટી મંડળની કોર્ટ કાર્યવાહી બાદ પ૦ ટકા બેડ સાથે વી.એસ.ને ચલાવવા ઠરાવ કરવામાં આવ્યો હતો. જે મુજબ વી.એસ.માં પપ૦ બેડ ફાળવવામાં આવ્યા હતા.
પરંતુ એસ.વી.પી.ને ચલાવવા માટે વી.એસ.ને પરોક્ષ રીતે નામશેષ કરવામાં આવી હતી. વી.એસ. દ્વારા ભરતી કરવામાં આવેલા મેડીકલ અને નોન મેડીકલ સ્ટાફને એસ.વી.પી.માં લઈ જવામાં આવ્યા છે સાથે સાથે મેડીકલ કોલેજનો પણ મેટ માં સમાવેશ કરી તેને દિવ્યાંગ બનાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. કોરોનાની પ્રથમ લહેરમાં પણ ખાનગી હોસ્પીટલોને માતબર રકમ ચુકવવામાં આવી હતી પરંતુ વી.એસ.માં ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. બીજી લહેરમાં પરિસ્થિતિ કાબુ બહાર ગયા બાદ વી.એસ.ના ઉપલબ્ધ બેડ અને સાધનોનો ઉપયોગ કરવાની તંત્રને ફરજ પડી હતી.
વી.એસ. મુદ્દે હોબાળો થયો હોવાથી ર૦ર૦-ર૧ના બજેટમાં તેના નવીનીકરણ માટે રૂા.૭૦ કરોડ ફાળવવામાં આવ્યા હતા પરંતુ રાતીપાઈ ખર્ચ થઈ ન હતી. મ્યુનિ. કોર્પોરેશનના નવનિયુક્ત હોદ્દેદારોએ તેમના બજેટમાં વી.એસ. માટે ખાસ જાેગવાઈ કરી છે તથા હોસ્પીટલ ફરીથી કાર્યરત થાય તે માટે પ્રયાસ શરૂ કર્યાં છે.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન હિતેશભાઈ બારોટના જણાવ્યા મુજબ વી.એસ. હોસ્પીટલ અગાઉની માફક કાર્યરત કરવામાં આવશે. તેમજ ગરીબ- મધ્યમવર્ગના નાગરીકોને સારી અને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. વી.એસ.ના નવીનીકરણ માટે રૂા.૮૦ કરોડનો ખર્ચ થશે. વી.એસ. હોસ્પીટલના ટ્રસ્ટી મંડળ સાથે મીટીંગ કરીને સમસ્યા હલ કરવા માટે પ્રયત્ન થયા છે વી.એસ. માટે બજેટમાં ફાળવવામાં આવેલી રકમ પૈકી કેટલા કામ થયા તે અંગે વહીવટીતંત્ર સાથે સકારાત્મક ચર્ચા પણ કરવામાં આવી છે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી બેઠકમાં શારદાબેન હોસ્પિટલ નવીનીકરણ અને એલ.જી. હોસ્પીટલને અપગ્રેડ કરવા માટે પણ કમિશ્નર સાથે ચર્ચા કરવામાં આવી છે. એસ.વી.પી.ની સાથે-સાથે મનપાની ત્રણેય હોસ્પીટલોમાં પણ શ્રેષ્ઠ અને આધુનિક સારવાર મળી રહે તે માટે ભાજપ કટિબધ્ધ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.