વુહાનના પશુ બજારમાં પ્રથમ કોવિડ-૧૯ કેસ જોવા મળ્યો હતોઃ WHO

નવીદિલ્હી, આખરે ખબર પડી કે કોરોનાનો પહેલો કેસ ક્યાં જાેવા મળ્યો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ની તપાસમાં સામે આવ્યું છે કે ચીનના વુહાનમાં એનિમલ માર્કેટમાં એક વેન્ડર કોવિડ-૧૯થી સંક્રમિત હતી. આ વિક્રેતા એક મહિલા હતી જે હોલસેલ માર્કેટમાં કામ કરતી હતી. આ અભ્યાસથી જાણવા મળ્યું છે કે શરૂઆતમાં કોરોનાના પહેલા કેસ વિશે જે વાતો કહેવામાં આવી રહી હતી તે ખોટી હતી.
અમેરિકન અખબાર ધ ન્યૂ યોર્ક ટાઈમ્સે સમાચાર પ્રકાશિત કર્યા છે કે કોરોનાથી સંક્રમિત મહિલા વિક્રેતા ચીનની મધ્યમાં આવેલા વુહાન શહેરના હુઆનનમાં એનિમલ માર્કેટમાં કામ કરતી હતી. અહીંથી, વર્ષ ૨૦૧૯ ના અંતમાં કોરોનાના કેસ ઝડપથી ફેલાવા લાગ્યા. અગાઉ, એકાઉન્ટન્ટને કોરોનાનો પહેલો કેસ કહેવામાં આવી રહ્યો હતો. ૧૬ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ, આ એકાઉન્ટન્ટે કોવિડ -૧૯ ના પ્રારંભિક લક્ષણો જાેવા મળ્યા હતા.
એરિઝોના યુનિવર્સિટીના ઇકોલોજી અને ઇવોલ્યુશનરી બાયોલોજી વિભાગના વડા, માઇકલ વોરોબીએ જણાવ્યું હતું કે અભ્યાસથી સ્પષ્ટ થયું છે કે એકાઉન્ટન્ટ પ્રથમ કેસ નથી. તેના બદલે, તે વુહાનના પશુ બજારમાં કામ કરતી એક મહિલા હતી. એકાઉન્ટન્ટના લક્ષણો ત્યારે સામે આવ્યા જ્યારે કોરોનાના ઘણા કેસ પહેલાથી જ હાજર હતા પરંતુ નોંધાયા ન હતા. આ મહિલા વિક્રેતા ૧૧ ડિસેમ્બરે કોરોનાની ઝપેટમાં આવી હતી. આ અભ્યાસ તાજેતરમાં સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયો છે.
માઈકલ વોરોબીએ જણાવ્યું કે મહિલા વિક્રેતા હુનાન સીફૂડ હોલસેલ માર્કેટમાં કામ કરતી હતી. ઉપરાંત, કોરોના સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ થવાનો આ પહેલો કેસ હતો. આ અભ્યાસ પુષ્ટિ કરે છે કે કોરોના રોગચાળો વુહાનથી જ શરૂ થયો હતો. ૧.૧૦ કરોડની વસ્તી ધરાવતા વુહાનમાં જે વિસ્તારમાં કોરોનાના પ્રારંભિક કેસ આવ્યા હતા તે વિસ્તાર ફૂટબોલ મેદાન જેટલો વિસ્તાર હતો. જાે કે, રોગચાળાના ફેલાવાની પેટર્નને સરળ ભાષામાં સમજાવવી હજુ પણ ખૂબ જટિલ છે.
માઈકલ વોરોબી ડબ્લ્યુએચઓની નિષ્ણાત પેનલમાં સામેલ છે. તેમની સાથે વિશ્વના અન્ય ઘણા નિષ્ણાતો પણ છે, જેઓ કોરોના રોગચાળાના પ્રકોપની શરૂઆતનો અભ્યાસ કરવા માટે ચીન ગયા છે. તેમની ટીમમાં સામેલ અન્ય નિષ્ણાતો પણ માને છે કે કોરોનાનો પહેલો કેસ એટલે કે મહિલા વિક્રેતા સીફૂડ વેચનાર હતી. જાે કે, કેટલાક નિષ્ણાતો હજુ પણ આ સાથે સંપૂર્ણપણે સહમત નથી.
તેમનું માનવું છે કે કોરોના કેસ વુહાનથી શરૂ થયો હતો. આ મહિલાનો પ્રથમ કેસ હોઈ શકે છે, પરંતુ સીફૂડથી ફેલાતો કોરોના હજુ પણ તપાસનો વિષય છે.HS