વુહાનની લેબના ૩ કર્મી કોરોના પ્રસર્યો એ પૂર્વે સંક્રમિત થયા હતા

નવી દિલ્હી, છેલ્લા આશરે દોઢેક વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં તબાહી મચાવી છે. આ વાયરસે કરોડો લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે અને લાખો જિંદગીઓનો ભોગ લીધો છે. આ ખતરનાક વાયરસની શરૂઆતને લઈ હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે.
સમગ્ર વિશ્વ આ કોરોના વાયરસ માટે ચીનને જવાબદાર માની રહ્યું છે જ્યારે ચીન તેનો ઈનકાર કરતું આવ્યું છે. આ બધા વચ્ચે એક રિપોર્ટમાં થયેલા ખુલાસા પ્રમાણે વુહાનની જે લેબ ખાતે કોરોના વાયરસની શરૂઆત ગણાવાઈ રહી છે તે લેબના ૩ કર્મચારીઓને જ્યારે વિશ્વને કોરોના અંગે કશી ખબર નહોતી ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અમેરિકી વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, વિશ્વમાં કોરોના વાયરસ ફેલાયો તે પહેલા ચીનમાં વુહાનની લેબના સંશોધકો સંક્રમિત થયા હતા. રિપોર્ટ પ્રમાણે વુહાન ઈન્સ્ટિટ્યુટ ઓફ બાયોલોજીના ૩ સંશોધકો નવેમ્બર ૨૦૧૯માં બીમાર થયા હતા અને તેમણે હોસ્પિટલમાં સારવાર માટે મદદ પણ માંગી હતી.
આ સંશોધકોમાં કોરોના સંક્રમણના લક્ષણો હતા. નવેમ્બર ૨૦૧૯ બાદ ડિસેમ્બર-જાન્યુઆરી વચ્ચે જ વિશ્વને કોરોના વાયરસ મહામારી અંગે જાણ થઈ હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની એક ટીમ કોરોના વાયરસના તથ્ય અંગે તપાસ કરવા માટે વુહાન પણ ગઈ હતી.