વૃક્ષો સાથે પ્રકૃતિ જતનના સંકલ્પનું વાવેતર
અમદાવાદ માહિતી કચેરીના પ્રાંગણમાં વૃક્ષારોપણ – માહિતી કચેરીના કર્મયોગીઓએ વૃક્ષોનું વાવેતર કરીને તેના જતનની પ્રતિજ્ઞા લીધી
“વૃક્ષ” બે અક્ષર થી બનેલા આ શબ્દની અસર હજારો વર્ષો સુધી વર્તાય છે. વૃક્ષ એ પેઢી દર પેઢી લોકોને મદદરૂપ બને છે. વૃક્ષ એક સંત સમાન છે.
જેમ સંતો સમાજમાંથી દુર્ગુણોને શોષી લઇને સદગુણોનો પ્રવાહ વહેતો કરે છે તે જ રીતે વૃક્ષ પણ પ્રાણનાશક કાર્બનડાયોક્સાઇડ અને અન્ય તત્વોને શોષી લઇને આપણને પ્રાણવાયું- ઓક્સિજન આપે છે. હવે આ ઓક્સિજન પ્રાણવાયું છે તે કહેવામાં કંઇ જ અતિશયોક્તિ નથી… કોરોનાની બીજી લહેરે આ દેશના નાગરિકોને તે સમજાવ્યું છે.
વૃક્ષ અને વૃક્ષારોપણનું મહત્વ સમજીને અને તેની લાંબાગાળાની અસરો પામવાના હેતુથી અમદાવાદ જિલ્લાની માહિતી કચેરી દ્વારા ઓફિસના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
કર્મયોગીઓ દ્વારા આજે પ્રકૃતિના સાનિધ્યમાં હરહંમેશ રહીને વૃક્ષારોપણ કરી પ્રકૃતિ જતનના સંકલ્પનું વાવેતર કરવામાં આવ્યું હતુ.
આ વૃક્ષારોપણ દરમિયાન માહિતી વિભાગનાઅધિકારી-કર્મચારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વૃક્ષારોપણ કરતી વખતે ઘરમાં નવ જન્મેલ બાળકનું આગમન થાય તેવી લાગણીઓ સાથે વૃક્ષને રોપવામાં આવ્યા હતા. વૃક્ષારોપણ કર્યા બાદ તેનું વાવેતર કરવા તેનો ઉછેર કરીને ઘનિષ્ઠ ઘટાદાર બનાવવા અને જનઉપયોગી બનાવવાનો સંકલ્પ સર્વે કર્મીઓ દ્વારા કરવામાં આવ્યો.
વાતાવરણમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા , ઓઝોન લેયરમાં પડી ગયેલ છિદ્રને દૂર કરવા આ વૃક્ષો અતિમહત્વના છે. વૃક્ષોને ઘરઆંગણે થી લઇ ઘરના ધાબા પર, નાની જગ્યામાં, ધાર્મિક સ્થળોએ, જાહેર સ્થળોએ , ગામમાં, શહેરમાં, તેમજ અન્ય માળખાકીય સુવિધાઓ ધરાવતા તમામ સ્થળોએ ઉગાડી શકાય છે. આ વૃક્ષારોપણ દ્વારા વાતાવરણ અંસખ્ય મેટ્રીક ટન ઓક્સિજનનું ઉત્સર્જન થઇ શકે છે. અમદાવાદ માહિતી કચેરીના કર્મયોગીઓએ વૃક્ષારોપણ કરીને શહેરમાં મહત્તમ વૃક્ષારોપણ થાય તે માટેનો સંદેશો ફેલાવવાનો સંકલ્પ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન મિલિયન ટ્રી કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત શહેરમાં ૧૦ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. આ વર્ષે આવેલા તાઉતે વાવાઝોડામાં ૫ હજાર જેટલા વૃક્ષોને નુકસાન પહોંચ્યું હતુ
ત્યારે કોર્પોરેશને આના વળતર સ્વરૂપે ૫ હજારની જગ્યાએ ૫ લાખ વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો છે.શહેરની સરકારી કચેરી, ધાર્મિક સ્થળો, જાહેર સ્થળો થી લઇ અનેક સ્થળોએ કોર્પોરેશન દ્વારા વૃક્ષો ઉગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપીલ કોર્પોરેશનના બાગાયત ખાતાના સહયોગથી અમદાવાદ માહિતી કચેરીમાં વૃક્ષારોપણની સમગ્ર કામગીરી સ્તવરે પૂર્ણ કરવામાં આવી છે.