વૃદ્ધાને રૂમમાં પુરી મંદિરમાંથી તસ્કરો હજારોની ચોરી કરી
અમદાવાદ: અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં વિચિત્ર ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. ઘરમાં પુત્રી સાથે રહેતા એક વૃદ્ધાને ઊંઘ ન આવતા તેઓ જાગતા પલંગ પર પડી રહ્યા હતા. ત્યારે બાજુના રૂમમાં કંઈ અવાજ આવતા તેઓ જાેવા ઉભા થયા હતા પણ તેમના રુમના દરવાજાને કોઈએ બહારથી બંધ કર્યો હોવાથી તેઓ ગભરાઈ ગયા અને અંદરથી રૂમ બંધ કરી બેસી ગયા હતા. બાદમાં એકાદ કલાક બાદ પાડોશીને જાણ કરી ઘરનો દરવાજાે ખોલાવ્યો હતો.
જે બાદ ઘરમાં તપાસ કરી તો મંદિરવાળા રૂમમાંથી ૧૦ હજારની ચોરી થઈ હતી. આ અંગે રાણીપ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. શહેરના રાણીપ વિસ્તારમાં આવેલા આંગન એપાર્ટમેન્ટમાં રહેતાં ૬૦ વર્ષીય દેવયાની બહેન યાજ્ઞિક તેમની દીકરી સાથે રહે છે. તેઓને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. જેમાં સૌથી મોટી મૌલી જે લગ્ન બાદ તેની સાસરીમાં સાબરમતી ખાતે રહે છે. તેનાથી નાની પુત્રી કૃતિ જે લગ્ન બાદ તેની સાસરી મુંબઈ ખાતે રહે છે અને સૌથી નાની શૈલી નામની દીકરીના લગ્ન ન થયા હોવાથી દેવયાની બહેન સાથે રહે છે.
શનિવારના રોજ રાત્રે દસેક વાગ્યાના સુમારે દેવ્યાની બહેન તેમના ઘરનો દરવાજાે અંદરથી લોક કરી તેમની દીકરી તથા પૌત્રી સાથે અંદરના રૂમમાં સુઈ ગયા હતા. તેઓને ઊંઘ ના આવતી હોવાથી અને થોડા જાગૃત અવસ્થામાં પથારીમાં પડી રહ્યા હતા. ત્યારે રાત્રે બે વાગ્યાની આસપાસ તેમના મકાનના બીજા રૂમમાં કંઇક અવાજ આવતો હોવાથી તેઓએ રૂમનો દરવાજાે ખોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ખુલી ન હતો રહ્યો.
એટલે કોઈકે દેવ્યાની બહેન જે રૂમમાં સૂતા હતા તે રૂમનો દરવાજાે બહારથી બંધ કરી દીધો હતો. જેથી તેઓને ડર લગતા તેઓએ તેમના રૂમનો દરવાજાે અંદરથી પણ બંધ કરી દીધો હતો. બાદમાં ત્રણેક વાગ્યાની આસપાસ તેમના પાડોશી જયશ્રી બહેનને ફોન કરી તેમના ઘરે બોલાવ્યા હતા અને દરવાજાે ખોલાવ્યો હતો. ત્યારબાદ દેવ્યાનીબહેને બાજુના રૂમમાં જઈને જાેયું તો તેમના ઘરના મંદિર તથા લાકડાના ખાનાવાળા કબાટમાં લોક તોડી અંદરનો સામાન વેરવિખેર હાલતમાં જાેયો હતો.
દેવ્યાની બહેનની મુંબઈ ખાતે રહેતી દીકરીની વસ્તુઓ અહીં પડી રહેતી હોવાથી તેમણે વીડિયોકોલ મારફતે તપાસ કરાવતા કોઈ વસ્તુ ચોરી થઇ ન હતી. પરંતુ માતાજીના મંદિરમાં મૂકેલી ૫૦૦ની ૨૦ નોટ એટલે ૧૦ હજાર રૂપિયા જણાયા ન હતા. જેથી તેમના ઘરમાં કોઈ તસ્કરોએ ઘૂસીને માતાજી ના મંદિરમાં મુકેલા ૧૦૦૦૦ રૂપિયાની ચોરી કરી હોવાની જાણ થતા તેઓએ રાણીપ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.