વૃધ્ધાના કાનમાંથી ૭૦ હજારની બુટ્ટી ખેંચી સ્નેચરો ફરાર
સુરત, ગોડાદરા વિસ્તારમાં રહેતી વૃધ્ધા ગતરોજ ગોડાદરા સુમન સંકલ્પ આવાસની સામેથી ચાલતા ચાલતા પસાર થઇ રહી હતી ત્યારે એક બાઈક પર આવેલા બે ઈસમોએ વૃધ્ધાની પાસે આવી તેમના કાનમાં પહેરેલ રૂપિયા ૭૦ હજાર કિંમતની સોનાની બુટ્ટી ખેંચી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે વૃધ્ધાના પુત્રએ ગોડાદરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે ગોડાદરા વિસ્તારમાં આવેલ આશીર્વાદ બંગ્લોઝમાં રહેતા બાલાભાઇ સામતભાઇ ડોલર આહીર વેપાર ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ બાલભાઈની માતા ગોડાદરા સુમન સંકલ્પ આવાસની સામેથી ચાલતા ચાલતા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા.
આ સમયે એક બાઈક પર બે ઈસમો આવ્યા હતા. બાલભાઈની માતા હજુ કઈ સમાજે તે પહેલા જ બાઈક પર આવેલા બંને ઈસમો પૈકી પાછળ બેસેલા ઈસમે બાલાભાઈની માતાના કાનમાં પહેરેલ ૨૦.ગ્રામ ૧૫૦ મી.લી. કિંમત આશરે કિંમત રૂ.૭૦.૦૦૦ની સોનાની બુટ્ટી ખેંચી લઇ બાઇક પુરપાટ ઝડપે હંકારી ફરાર થઇ ગયા હતા.
બનાવની જાણ થતાની સાથે જ બાલાભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેઓએ ગોડાદરા પોલીસને આ વાતની જાણ કરી હતી. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી બાલાભાઈ ની ફરિયાદ લઇ બંને સ્નેચરો સામે ૭૦ હજારની સ્નેચિંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.