વૃધ્ધ પાસે ટીમ વ્યુવર ડાઉનલોડ કરાવી ગઠીયાએ દોઢ લાખ ખંખેરી લીધા
રામોલ તથા પાલડીમાં પણ ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપડતાં છેતરપીંડીની ફરીયાદ
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં સાબરમતી, રામોલ તથા પાલડી વિસ્તારમાં ઓનલાઈન ઠગાઈની ફરિયાદો નોંધાઈ છે જેમાં ૧.પ૦ લાખ, ૧૦ હજાર તથા રપ હજાર એમ કુલ ર.૬પ લાખ રૂપિયા બારોબાર ખાતામાંથી ઉપડી ગયા હતા પાલડીમાં નોંધાયેલી ફરીયાદમાં ફરીયાદીનો ડેટા પણ ચોરી લીધો હતો.
સાબરમતી, ન્યુ રાણીપમાં આવેલી અનમોલ રેસીડેન્સીમાં ગીરીશભાઈ સુથાર (પ૩)ને કેટલાક દિવસો અગાઉ પેટીએમમાં કેવાયસી અપડેટ કરવા માટેનો મેસેજ આવ્યો હતો આ મેસેજમાં આવેલા નંબર પર ફોન કરતાં દિપક શર્મા નામની વ્યક્તિએ તેમને કેવાયસી અપડેટ કરવાનું કહી ફોનમાં ટીમ વ્યુવર એપ ડાઉનલોન કરાવી હતી જેના દ્વારા ગીરીશભાઈના ફોનનો કંટ્રોલ લીધો હતો. બાદમાં ટુકડે ટુકડે કુલ દોઢ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા જેથી પોતાની સાથે છેતરપીંડી થયાની જાણ થતાં તેમણે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જે અંગે સાબરમતી પોલીસ તપાસ ચલાવી રહી છે.
જયારે વસ્ત્રાલમાં મનોહર પાર્કમાં રહેતા રવિતેની કોટપલ્લીએ થોડા દિવસો અગાઉ એમેઝોન પરથી એક ટેબલ ફેનની ખરીદી કરી હતી જાેકે તેની ડીલીવરી સમયસર મળી ન હતી. બાદમાં અજાણ્યા શખ્સે કસ્ટમર કેરમાંથી બોલતા હોવાનું કહીને લીંક મોકલી હતી જેના ઉપર ક્લીક કરતાં જ તેમના ખાતામાંથી કુલ ૯૦ હજાર રૂપિયા ઉપડી ગયા હતા. આ અંગે તેમની ફરીયાદ લઈ રામોલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
અન્ય કિસ્સામાં કિનલબેન શાહ પાલડી બેન્ક ઓફ બરોડા નજીક રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે ગત ૧૭મી તારીખે સવારે તેમના ફોનમાં રપ હજાર રૂપિયા ડેબીટ થયાના મેસેજ આવ્યા હતા. આ અંગે તે બેંક મેનેજરને મળ્યા હતા અને પોતાનું ખાતું બંધ કરવાનું કહેતા મેનેજરે તેમ કરવાની ના કહી હતી અને બીજી વખત તેમની સાથે ફ્રોડ થાય તો પણ બેંકની જવાબદારી નથી તેમ કહયુ હતું આ અંગે ક્રિનલબેને છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે.