વેકિસન સર્ટિ.પરથી મોદીની તસવીર હટાવવાનો આદેશ
નવી દિલ્હી: તૃણમૂલ કાૅંગ્રેસની ફરિયાદ પર ચૂંટણી પંચે સ્વાસ્થ્ય મંત્રાલયને કોવિડ-૧૯ રસીકરણ પ્રમાણપત્રમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર હટાવવાનો આદેશ કર્યો છે. ટીએમસીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે કોવિડ-૧૯ રસીકરણ પ્રમાણપત્ર પર મોદીની તસવીરની હાજરી એ આદર્શ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ છે. આના પર ચૂંટણી પંચે સ્વાસ્થ્ય મંત્રાલયને આદેશ કર્યો છે કે ચૂંટણીના નિયમોનું અક્ષરશઃ પાલન કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલવામાં આવેલા એક પત્રમાં ચૂંટણી પંચે આચાર સંહિતાની અમુક જાેગવાઈનો ઉલ્લેખ કર્યો છે, જે સરકારી ખર્ચ અને જાહેરાત પર પ્રતિબંધ લગાવે છે. ઉલ્લેખનીય છે કે હાલ પશ્ચિમ બંગાળ, આસામ, તાલિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીમાં આદર્શ આચાર સંહિતા લાગૂ છે. ચૂંટણી પંચ અને આરોગ્ય મંત્રાલય વચ્ચે થયેલી વાતચીતના જાણકાર સૂત્રોનું કહેવું છે કે, ચૂંટણી પંચે કોઈ વ્યક્તિ કે શખ્સનો ઉલ્લેખ નથી કર્યો,
પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલયને એવો આદેશ કર્યો છે કે તે ચૂંટણીની આચાર સંહિતાનું અક્ષરશઃ પાલન કરે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સ્વાસ્થ્ય મંત્રાલયે હવે સંભવતઃ ફિલ્ટરનો ઉપયોગ કરવો પડશે. જેનાથી પશ્ચિમ બંગાળ, આસામ, તાલિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરી (અહીં ચૂંટણી યોજનાર છે)માં કોવિડ-૧૯ રસીકરણ પ્રમાણપત્રમાં વડાપ્રધાન મોદીની તસવીર ન છપાય. સિસ્ટમમાં આ ફિલ્ટર મૂકવા માટે થોડો સમય પણ લાગી શકે છે.
પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કાૅંગ્રેસે મંગળવારે ચૂંટણી પંચને આપેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યો કે જ્યાં ચૂંટણી યોજાનાર છે ત્યાં કો-વિન પ્લેટફોર્મ મારફતે પ્રાપ્ત થતા કોવિડ-૧૯ રસીકરણ પ્રમાણપત્રમાં પીએમ મોદીની તસવીર હોવી એ આદર્શ આચાર સંહિતાનો ભંગ છે. તૃણમૂલ કાૅંગ્રેસ પાર્ટીએ તસવીરને વડાપ્રધાન મોદી દ્વારા અધિકારનો દુરુપયોગ થયાનું ગણાવ્યું હતું. પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ ૨૬ ફેબ્રુઆરીથી અહીં આદર્શ આચાર સંહિતા લાગૂ છે.