વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગની મંજુરી માટે પ્રક્રિયા ઝડપી કરાશે
સરકારના ર્નિણયથી દવા કંપનીઓ માટે વિદેશી વેક્સિનને ભારતમાં બનાવવાની મંજૂરી મેળવવામાં સરળતા રહેશે
નવી દિલ્હી, સરકારે દેશમાં કોરોના વેક્સીનની સંખ્યા વધારવા માટે વિદેશી રસીને ઝડપી મંજૂરી આપવાની નીતિ અપનાવી છે. કેન્દ્રએ આજે કહ્યું કે, એ વિદેશી કોરોના વેક્સીનને ભારતમાં ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાની પ્રક્રિયા ઝડપી કરાશે, જેનો વિદેશોમાં ઉપયોગ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીજીસીઆઈ)એ રશિયામાં વિકસિત કોવિડ-૧૯ વેક્સીન સ્પુતનિક વીના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. એક્સપર્ટ કમિટીએ સોમવારે જ સ્પૂતનિક વીને ભારતમાં ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી આપવાની ભલામણ કરી હતી.
જે વેક્સિનને સરકારે મંજૂરી આપશે એનો આગામી ૭ દિવસ સુધી ૧૦૦ દર્દી પર ઉપયોગ કરવામાં આવશે. ત્યાર પછી દેશના વેક્સિનેશન કાર્યક્રમમાં એને સામેલ કરવામાં આવશે. સરકારનો દાવો છે કે આ ર્નિણયથી ભારતમાં વેક્સિન ઈમ્પોર્ટ કરવા અને વેક્સિનેશન કાર્યક્રમમાં ઝડપ લાવી શકાશે.
સરકારના આ ર્નિણયથી આ દવા કંપનીઓ માટે વિદેશી વેક્સિનને ભારતમાં બનાવવાની મંજૂરી મેળવવામાં પણ સરળતા રહેશે.એક્સપર્ટનું માનીએ તો ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી મળ્યા બાદ એક-દોઢ સપ્તાહની અંદર વેક્સીન ડોઝ લોકો માટે ઉપલબ્ધ થઈ જાય છે.
તેમનું કહેવું છે કે, જાે કોઈ મોટી અડચણ નહીં આવે તો મંજૂરીના ૧૦ દિવસની અંદર જ વેક્સીનનો ડોઝ આપી શકાય છે. હાલમાં દેશમાં ભારત બાયોટેડ અને ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચના સંયુક્ત પ્રયાસોથી વિકસિત કોવેક્સીન ઉપરાંત ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસિત કોવિશીલ્ડના ડોઝ આપવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે, ભારતમાં ૧૬ જાન્યુઆરીએ વેક્સિનેશન શરૂ થયું હતું.
કોવિશીલ્ડનું ઉત્પાદન ભારતીય કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા જ કરી રહી છે. કોવેક્સીન અને કોવિશીલ્ડ, બંને વેક્સીન બે ડોઝવાળી છે. પહેલો ડોઝ લીધાના ઓછામાં ઓછા ચાર સપ્તાહ પછી બીજાે ડોઝ આપવાનો નિયમ છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ ૧૦.૮૫ લાખથી વધુ લોકોને કોરોના વાયરસની વેક્સીન અપાઈ ચૂકી છે.