વેક્સિનના બે ડોઝ લીધા હોય શાર્મિન ગુર્જરે ઘરે રહીને જ ફક્ત ત્રણ દિવસમાં કોરોનાને મ્હાત આપી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/corona1-1024x602.jpg)
કોરોનાની ગંભીર અસરોથી બચવા વેક્સિન અવશ્ય લેવાનું જણાવતા શાર્મિન ગુર્જર
વેક્સિનના બે ડોઝ કોરોનાને હંફાવા માટે પૂરતા છે તે વધુ એક કર્મયોગીએ સાબિત કર્યું છે. જિલ્લા સેવા સદન ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા ૨૮ વર્ષના શાર્મિન માઇકલ ગુર્જરે ફક્ત ત્રણ જ દિવસમાં કોરોનાને મ્હાત આપી છે. તેઓ જણાવે છે કે, તેમની ઝડપી રિકવરીનું કારણ કોવીડ વેક્સિન જ છે.
વેક્સિન લીધી હોવાથી ત્રણ જ દિવસમાં મારો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. આ ત્રણ દિવસમાં પણ ફક્ત શરદી-તાવના સામાન્ય લક્ષણો જણાયા હતા. વર્ષ ૨૦૧૮ માં શાર્મિનને રાજરોગ (ટીબી) થયો હતો. તેમાંથી તેઓ સાજા થઇ ગયા હતા પરંતુ આ રોગને કારણે કોરોનાની ગંભીર અસર થઇ શકવાની પૂરી શકયતા હતી. પરંતુ વેક્સિનના બે ડોઝ થકી રોગપ્રતિકારક શક્તિ સારા એવા પ્રમાણમાં વિકસતા તેઓએ હોમ આઇસોલેટ રહીને ઘરે જ સાજા થઇ ગયા હતા.
શાર્મિન ગુર્જર જણાવે છે કે, મેં વેક્સિનના બંને ડોઝ લીધા છે. પહેલો ડોઝ ૩૧ જાન્યુઆરી અને બીજો ડોઝ ૩ માર્ચના રોજ લીધો હતો. ત્યાર બાદ ૩૦ માર્ચના રોજ વેક્સિનના બીજા ડોઝના ૨૭ દિવસ બાદ મને કોરોનાના લક્ષણો જણાયા હતા. જેમાં તાવ-શરર્દી થયા હતા. ૩૧ માર્ચે રિપોર્ટ કરાવતા મારો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ હું હોમ આઇસોલેટ રહીને ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલી દવાઓ લીધી હતી અને ૩ એપ્રીલ રિપોર્ટ કરાવ્યો ત્યારે મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
વેક્સિન લેવાથી મને એ ફાયદો થયો કે કોરોનાની ગંભીર અસરોથી હું બચી શકી હતી. ગત ૧૫ એપ્રીલે હું ફરજ પણ હાજર થઇ ગઇ છું. અત્યારે હું સંપૂર્ણ સ્વસ્થ છું. આપ સૌને પણ હું નમ્ર અપીલ કરૂં છું કે કોરોનાથી બચવા વેક્સિન અવશ્ય લો. વેક્સિન લીધા બાદ પણ કોરોના થશે તો તેની ગંભીર અસરોથી બચી શકાશે. ૦૦૦