વેક્સિના બંને ડોઝ લેનાર લોકો જ સામૂહિક કાર્યક્રમોમાં ભાગ લે: કેન્દ્ર

નવી દિલ્હી, કોરોના સંક્રમિત દર્દીઓની વધતી જતી સંખ્યા ફરી એકવાર ત્રીજી લહેર તરફ ઈશારો કરવા લાગી છે અને કેટલાંક રાજ્યમાં સ્થિતિ અત્યંત ખતરનાક બની રહી હોવાથી સરકારે ફરી એકવાર જાહેર જનતાને સલાહ આપતાં જણાવ્યું છે કે, કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને લોકોએ સામૂહિક અને જાહેર સમારોહ અને મેળાવડામાં જવાનું બને ત્યાં સુધી ટાળવું જાેઈએ અને જાે અત્યંત જરૂરી હોય તો આ પ્રકારના સામૂહિક સમારોહમાં એવા જ લોકોએ ભાગ લેવો જાેઈએ કે જેમણે કોરોના વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોય.
સરકારે જણાવ્યું છે કે, તહેવારોને ધ્યાનમાં રાખતાં કોરોના ગાઈડલાઈનનું પાલન થવું અત્યંત આવશ્યક અને અનિવાર્ય છે. એક પત્રકાર પરિષદમાં સરકાર તરફથી એવી ચેતવણી આપવામાં આવી છે ક દેશમાં ભલે કોરોના સંક્રમણના કેસ થોડા ઓછા થતા દેખાઈ રહ્યા હોય, પરંતુ ભારતમાં હજુ બીજી લહેર સમાપ્ત થઈ નથી.
સરકાર દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે, વીક્લી પોઝીટીવીટી રેટમાં એકંદરે ઘટાડો નોંધાઈ રહ્યો છે, પરંતુ સ્થિતિ હજુ સંપૂર્ણપણે સારી હોવાની નજરે પડતી નથી. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે, દેશના ૩૯ જિલ્લામાં ૩૧ ઓગસ્ટે સમાપ્ત થયેલા સપ્તાહમાં કોરોનાનો વીકલી પોઝીટીવીટી રેટ ૧૦ ટકાથી વધુ રહ્યો છે, જ્યારે ૩૮ જિલ્લામાં આ રેટ ૫થી ૧૦ ટકા વચ્ચે જાેવા મળ્યો છે. તેમણે જણાવ્યું કે, દેશમાં ૧૬ ટકા પુખ્ત વસ્તીને કોવિડ વેક્સિનના બંને ડોઝ આપવામાં આવી ચૂક્યા છે, જ્યારે ૫૪ ટકા લોકોને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.
રાજેશ ભૂષણે વધુમાં જણાવ્યું કે, સિક્કિમ, દાદરા અને નગર હવેલી તથા હિમાચલપ્રદેશમાં ૧૦૦ ટકા પુખ્ત વસ્તીને કોવિડ વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.