વેક્સિનેશન નીતિમાં કોર્ટના હસ્તક્ષેપની જરૂર નથીઃ કેન્દ્ર સરકાર
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા કેન્દ્ર સરકારે ૨૧૮ પેજનું સોગંદનામું કોર્ટ સમક્ષ ધર્યું હતું જેમાં કોર્ટના તમામ સવાલોનો જવાબ આપવામાં આવ્યા છે
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને વેક્સિનેશન ઉપરાંત કોવિડ પ્રબંધનની તાજેતરની અને વિસ્તૃત માહિતી આપી હતી. સોમવારે સવારે યોજાનારી સુનાવણી પહેલા કેન્દ્ર સરકારે રવિવારે સાંજે ૨૧૮ પેજનું સોગંદનામુ ધર્યું હતું જેમાં કોર્ટના તમામ સવાલોનો જવાબ આપવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે પોતાની વેક્સિનેશન નીતિના બચાવમાં સુપ્રીમ કોર્ટને આ મામલે કોર્ટના હસ્તક્ષેપની જરૂર નથી તેમ કહ્યું હતું. કેન્દ્રએ જણાવ્યું કે, કોરોનાનો કોઈ પણ દર્દી દેશભરની કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થઈ શકે છે. મતલબ કે આરટીપીસીઆર રિપોર્ટ કે અન્ય શહેરમાં રહેતા હોય તેના આધાર કાર્ડની જરૂર નહીં પડે.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, કોવિડ સેન્ટર, બેડ, ડૉક્ટર, નર્સ અને મેડિકલ સ્ટાફની સંખ્યા વધારવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે મેડિકલના વિદ્યાર્થીઓને પણ કોવિડ સેવા કાર્યમાં લગાવવામાં આવી રહ્યા છે. ૧૦૦ દિવસ સુધી કોવિડ સેવા કાર્ય કરનારાઓને આર્થિક રીતે ઈન્સેન્ટિવ આપવાની પહેલ પણ કરવામાં આવી છે.
વેક્સિનનું ઉત્પાદન વધારવાની સાથે તેની ઉપલબ્ધતા પણ વધારવામાં આવી છે. હવે ૧૮ વર્ષથી વધારે ઉંમરના લોકોનું વેક્સિનેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને રાજ્યો પણ વેક્સિન ઉત્પાદકો પાસેથી સીધી ખરીદી કરી રહ્યા છે. સોગંદનામામાં વેક્સિનની કિંમતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સરકારના કહેવા પ્રમાણે વેક્સિન ઉત્પાદકો સાથે વાત કરીને એવું નક્કી કરી દેવામાં આવ્યું છે કે, તમામ રાજ્યોને સમાન દરે વેક્સિન મળશે. જાે કે, કેન્દ્રને સસ્તામાં વેક્સિન મળવા પાછળ એવું કારણ જણાવ્યું કે, કેન્દ્રએ કંપનીને મોટા ઓર્ડર-એડવાન્સ રકમ આપી છે.