Western Times News

Gujarati News

વેક્સિનેશન રેટ સરકારના ટારગેટ કરતા ૨૭ ટકા ઓછો : રાહુલ ગાંધીનો કેન્દ્ર પર પ્રહાર

નવીદિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ કોરોના વેક્સિન અંગે ફરી એક વખત કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે વેક્સિનેશન ટ્રેકર ગ્રાફિક શેર કરતા જણાવ્યું કે મહામારીની સંભાવિત ત્રીજી લહેરથી બચવા માટે ભારતનો વાસ્તવિક કોવિડ-૧૯ વેક્સિનેશન રેટ સરકારના ટારગેટ કરતા ૨૭ ટકા ઓછો છે.

રાહુલ ગાંધીએ વેક્સિન સાથે જાેડાયેલા એક ગ્રાફને શેર કરતા ટ્‌વીટ કર્યું છે. આ ગ્રાફમાં જણાવવામાં આવ્યું છે કે સંભાવિત ત્રીજી લહેરથી બચવા માટે કેન્દ્ર સરકારનો એક દિવસમાં ૬૯.૫ લાખ ડોઝ આપવાનો ટાર્ગેટ છે. પરંતુ એક દિવસમાં સરેરાશ ૫૦.૮ લાખ વેક્સિન ડોઝ જ આપવામાં આવી રહ્યા છે. માટે વાસ્તવિક વેક્સિનેશન રેટ અને સરકારના લક્ષ્યની વચ્ચે ૨૭ ટકાનો ગેપ છે.

કોરોના વેક્સિન સંદર્ભે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પહેલા પણ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. રાહુલ ગાંધીએ ટિ્‌વટ કરી કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જુલાઈ આવી ગયો છે. પરંતુ વેક્સિન આવી નથી. રાહુલ ગાંધી છેલ્લાં ઘણાં મહિનાથી કોરોના વેક્સિન મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી રહ્યાં છે. તેમણે સરકારને અપીલ કરી છે કે દેશના દરેક નાગરિકને તાત્કાલિક ઢબે કોરોના વેક્સિન લગાવવામાં આવે. જેનાથી આગામી સમયમાં કોરોના મહામારીથી બચાવી શકાય. રાહુલના આ ટિ્‌વટ બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધન અને કેન્દ્રીય રેલવે પ્રધાન પીયુષ ગોયલે કોંગ્રેસ નેતાઓ પર વેક્સિન મુદ્દે નિમ્ન કક્ષાની રાજનીતિ ન કરવાની અપીલ કરી હતી.

રાહુલ ગાંધીના વેક્સિનવાળા ટિ્‌વટ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને જવાબ આપતા કહ્યું, મેં જુલાઈ મહિનામાં વેક્સિનની ઉપલબ્ધતા અંગે માહિતી આપી છે. રાહુલ ગાંધીની સમસ્યા શું છે? શું તેઓ વાંચતા નથી? કે પછી તેઓ સમજતા નથી? અભિમાન અને અજ્ઞાનતાના વાયરસ માટે કોઈ વેક્સિન નથી. કોંગ્રેસે પોતાના નેતૃત્વ અને પાર્ટીના સંચાલન પર ધ્યાન આપવાની જરૂર છે.

જ્યારે કેન્દ્રીય રેલવે પ્રધાન પીયુષ ગોયલે રાહુલ ગાંધીના ટિ્‌વટ પર જવાબ આપ્યો હતો. ગોયલે લખ્યું કે, વેક્સિનના ૧૨ કરોડ ડોઝ જુલાઈ મહિનામાં ઉપલબ્ધ થશે. જે ખાનગી હોસ્પિટલના પુરવઠાથી અલગ છે. રાજ્યોને ૧૫ દિવસ પહેલાં જ પુરવઠા અંગે સુચના આપી દીધી છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ સમજવુ જાેઈએ કે કોરોના સામેની લડાઈમાં ગંભીરતા દાખવવાને બદલે નિમ્ન કક્ષાની રાજનીતિનું પ્રદર્શન કરવું યોગ્ય નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.