વેક્સિનેસન માટે ૧૦ લાખ રસીકરણ કેન્દ્રો કાર્યરત કરાશે
નવી દિલ્હી: કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારે કોરોનાની રસી મુકવા માટે એક મહત્વકાંક્ષી અને દેશવ્યાપી યોજના તૈયાર કરી છે. જે પ્રમાણે આગામી સાડા ત્રણ મહિનામાં દેશમાં ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી મુકી દેવામાં આવશે. આ માટે દેશભરમાં ૧૦ લાખ જેટલા રસીકરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે. આ સિવાય લોકોને ઘરે-ઘરે જઈને રસી મુકવા માટેનો પણ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સ્વાસ્થય મંત્રાલયના સૂત્રોના કહેવા પ્રમાણે દુનિયાભરના વિવિધ દેશોમાં
મુકવામાં આવતી વેક્સીન ભારતમાં પણ ઉપલબ્ધ કરવામાં આવશે.
પીએમ મોદીએ આખા દેશમાં એક મેથી ૧૮ વર્ષથી વધુ વયના લોકોને રસી મુકવાની જાહેરાત કરેલી છે. આ માટે કેન્દ્રના સ્વાસ્થય મંત્રાલય અ્ને ગૃહ મંત્રાલય સહિતના વિત્રાગો છેલ્લા કેટલાક મહિનાથી તેના પર કામ કરી રહ્યા હતા.
રસીકરણ માટેની કેન્દ્ર સરકારની કમિટીના એક સભ્યે કહ્યુ હતુ કે,૧૫ ઓગસ્ટ સુધીમાં દેશમાં ૧૮ વર્ષથી વધારે વય ધરાવતા તમામ લોકોને કોરોનાની રસી મુકવાનુ લક્ષ્ય છે.દેશના તમામ રાજ્યો સાથે આ માટે સંકલન કરવામાં આવી રહ્યુ છે. સૂત્રોના કહેવા પ્રમાણે આપણા દેશમાં હાલમાં બે જ કંપનીઓની રસી ઉપલબ્ધ છે.
આમ છતા અત્યાર સુધીમાં ૧૩ કરોડ લોકોને રસી મુકાઈ ચુકી છે અને થોડા દિવસમાં વિદેશી રસીના ઘણા વિકલ્પો લોકોને મળશે. જેનાથી રસીકરણને વધારે વેગ મળશે.રાજ્યોને રસીકરણ કેન્દ્રો શરુ કરવા માટે નિર્દેશ આપી દેવાયા છે અને રાજ્યોએ પોતાના સ્તર પર તેના પર કામ કરવાનુ શરુ કરી દીધુ છે.
ઘરે ઘરે જઈને રસી આપવા માટે રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રાલયોની ગ્રાઉન્ડ લેવલે કામ કરનારી ટીમોને પણ તાલીમ આપવામાં આવી રહી છે.આ ઉપરાંત સામાજિક સંગઠનો તેમજ કોર્પોરેટ સેક્ટરની ટીમોની પણ મદદ લેવામાં આવશે. સરકાર દ્વારા વિવિધ દેશોમાં ઉપયોગમાં લેવાતી વેક્સીન આયાત કરવાની પ્રક્રિયા પણ શરુ કરવામાં આવી છે.