Western Times News

Gujarati News

વેક્સિન કેમ જરૂરી છે…. કોરોનાગ્રસ્ત થયેલ તબીબ કરતા વધું સારી રીતે કોણ કહી શકશે ??

સિવિલ હોસ્પિટલના તબીબ ડૉ. યતીન દરજી કોરોનાથી સંક્રમિત થયા… વેક્સિનના બંને ડોઝના કારણે ઝડપી સાજા થયા

કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ અતિ ઘાતક સાબિત થઇ રહ્યું છે. વાયરસની તીવ્રતા શરીરમાં વધી છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં ફેફસા સુધી પહોંચે છે. સમગ્ર દેશમાં રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ થયો અને કરોડો લોકોએ કોરોનાની રસી લઇ પોતાને સુરક્ષિત કર્યા. રસીકરણ કેટલા હદે માનવશરીરને રક્ષણ આપે છે તેનું જીવંત ઉદાહરણ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના સંક્રમિત તબીબ ડૉ. યતીન દરજી એ પુરુ પાડ્યું.

કોરોનામા સતત ફરજ બજાવ્યા બાદ ૧૨ મી ફેબ્રુઆરીએ કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ અને ૧૩ મી માર્ચે કોરોના રસીકરણનો બીજો ડોઝ લીધો હતો. ત્યારબાદ પણ પોતોની ફરજ પર કર્તવ્યનિષ્ઠ એવા આ તબીબે દિવસ રાત કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં કાર્યરત રહ્યા.ગત અઠવાડિયે કોરોનાથી સંક્રમિત થયા.પરંતુ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધેલ હોવાના કારણે વાયરસના આ ઘાતક સ્વરૂપે તેમના ફેફસાના ફક્ત ૨૦ થી ૨૫ ટકા વિસ્તારને જ નુકશાન પહોંચાડ્યું. કોરોનાના લક્ષ્ણો પણ સર્વસામાન્ય રહ્યા.

કોરોનાની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા. તબીબી સારવારના કારણે અને વેક્સિનના ડોઝ લીધેલ હોવાના કારણે શરીરમાં ઉત્પન્ન થયેલ એન્ટીબોડીઝે શરીરમાં પ્રવેશેલા વાયરસ સામે પ્રતિકાર કર્યો , લડત આપી અને તેઓ ખૂબ જ ઝડપી સાજા થયા.

તેઓ કોરોના વોર્ડમાં હાલ સારવાર મેળવી રહ્યા છે અને ૧લી મે ના રોજ સાજા થઇને ઘરે પરત ફરશે… કોરોના વોર્ડમાંથી લોકોને અપીલ કરતા કહે છે કે, મેં કોરોનાની રસી લીધી હતી તેના કારણે જ કોરોનાથી સંક્રમિત થયા બાદ પણ ખૂબ જ ઝડપી સાજો થઇ શક્યો છું. દેશના તમામ નાગરિકોએ કોરોનાની રસી અચૂકપણે લઇને સંક્રમણથી સુરક્ષિત થવું જોઇએ.

ડૉ. યતીન દરજીનું માનવું છે કે, કોરોના રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. રસી લીધા બાદ પણ સરકારી દિશાનિર્દેશોના પાલન કરવા જરૂરી છે.રસી લીધા બાદ સંક્રમણ સંબંધિત વિસ્તારમાં જતા સંક્રમણ લાગવાનો ભય રહે છે. બાકીના કિસ્સામાં સામાન્ય સંક્રમણથી રસીના કારણે જરૂરથી બચી શકાય છે. તેઓ દ્રઢ પણે કહે છે કે, કોરોના રસી કરણ કરાવ્યા સિવાયના દર્દીઓ જ્યારે સંક્રમિત થયા બાદ સારવાર અર્થે આવે છે તેના કરતાં વેક્સિન લીધા બાદ સંક્રમિત થયેલ દર્દીમાં કોરોનાના લક્ષણો સામાન્ય હોય છે.

કોરોના ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડૉ. કાર્તિકેય પરમાર કહે છે કે, છેલ્લા એક વર્ષથી લગાતાર અમેં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહ્યાં છીએ. અમારી ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ દાખલ થાય ત્યારે વેક્સિનેટેડ છે કે નહીં તે ઓ.પી.ડી.માં નોંધવામાં આવે છે.

આ તમામ ડેટા પરથી જોવા મળ્યું છે કે કોરોનાની રસી લીધા બાદ સંક્રમિત થયેલ દર્દીઓમાં સંક્રમણની ગંભીરતા મહદઅંશે ગંભીર જોવા મળી નથી.ભારત સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી વેક્સિનના ડોઝ અચૂકપણે લઇને કોરોના સામેનું સુરક્ષા કવચ ધારણ કરવું જોઇએ.

સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, અમારી કોરોના ડેઝીગન્ટેડેટ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં કોરોના રસીકરણ કરાવ્યા બાદ આવતા દર્દીઓમાં કોરોનાવાયરસની ગંભીરતાનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે.જેમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ખૂબ જ ઝડપથી સાજા થઇને ઘરે પરત થયા છે. કોરોના રસીકરણ જરૂરથી આવા દર્દીઓના જીવ બચાવવા અને વાયરસ સામે રક્ષણ આપવા કારગર સાબિત થયું છે.

અત્રે નોધવું જરૂરી છે કે, ૧ લી ૨૦૨૧ થી રાજ્યભરમાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાઓ-નાગરિકો માટે રાજ્યભરમાં કોરોના રસીકરણના મહાઅભિયાનનો પ્રારંભ થનાર છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પણ તમામ નાગરિકોને આ રસીકરણ અભિયાનમાં જોડાઇને રસીકરણ કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. એવામાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં કોરોના રસીકરણ જીવનરક્ષક બની કોરોના સામેની લડતમાં વિજય પ્રાપ્ત કરવા અસરકારક સાબિત થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.