વેક્સિન સર્ટિફિકેટ વગર ખરીદી કરવા જશો તો પોલીસ સીધી વેક્સિન અપાવશે
અમદાવાદ પોલીસ મોલ અને બજારમાં સરપ્રાઈઝ ચેકિંગ કરશેઃ જેમની પાસે વેક્સિન સર્ટિફિકેટ નહીં હોય તેમને સમજાવીને વેક્સિન અપાવશે
અમદાવાદ, કોરોનાથી બચવા માટેનું એક માત્ર હથિયાર વેક્સિન છે. જે લગભગ મોટાભાગના અમદાવાદીઓએ લઈ લીધી છે. દેશમાં થોડાક દિવસ પહેલા સો કરોડ નાગરિકોએ વેક્સિનના ડોઝ લેતાં તેની ઠેરઠેર ઉજવણી પણ થઈ હતી. વેક્સિન આપવાની કામગીરી જાેરશોરથી ચાલી રહી છે
ત્યારે હજુ પણ કેટલાક એવા લોકો છે જેમણે વેક્સિન લીધી નથી અથવા તો બીજાે ડોઝ લેવાનો બાકી રહી ગયો છે. તેવા લોકો વેક્સિન લે તે માટે પોલીસે સરપ્રાઈઝ ચેકિંગનું આયોજન કરવાનો વિચાર કરી રહી છે.
દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહયા છે ત્યારે લોકો કોરોનાને ભૂલીને બિનધાસ્ત ખરીદી કરી રહ્યા છે. લાલ દરવાજા, રિલીફરોડ, સીજીરોડ, સહિતની જગ્યા પર ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડી છે ત્યારે તમામ મોલ પણ હાઉસફુલ છે, પબ્લિકનો ઘસારો એટલો બધો છે કે તેને જાેતાં એવું જ લાગે છે ગમે ત્યારે કોરોના ત્રીજી દસ્તક આપી શકે છે. કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રાજય સરકારે પૂરતી તૈયારીઓ કરી લીધી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસ દિવાળીના તહેવારોમાં મોલ તેમજ બજારમાં ખરીદી કરવા ઉમટી પડેલા લોકોના વેક્સિનેશન સર્ટિફિકેટની તપાસ કરશે. આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે કે પોલીસ મોલ અને બજારમાં સરપ્રાઈજ ચેકિંગ કરશે અને જેણે માસ્ક નહીં પહેર્યું હોય તેને માસ્ક પહેરવાની સલાહ આપશે
અને વેક્સિનેશન સર્ટિફિકેટ નહી હોય તેમને તરત જ વેક્સિન અપાવવામાં આવશે. ભીડભાડવાળી જગ્યાઓ પર ખરીદી માટે ઉમટેલા લોકોનું પોલીસ સરપ્રાઈઝ ચેકિંગ કરશે, જાે કોઈ વ્યક્તિએ વેક્સિન નહી લીધી હોય તો તેમને તરત જ વેક્સિન પણ આપવામાં આવશે. તહેવારોમાં કોરોના સંક્રમણને રોકવા માટે પોલીસ ગમે ત્યારે સરપ્રાઈજ ચેકિંગ કરી શકે છે
અને જાે કોઈ વ્યકિતએ માસ્ક નહીં પહેર્યું હોય તો તેમની વિરુદ્ધ દંડની કાર્યવાહી પણ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર એટલી બધી ખતરનાક હતી કે ઠેરઠેર મોતનું તાંડવ જાેવા મળ્યું હતું ૧૦૮ એમ્બ્યુલન્સ વેઈટિંગમાં આવતી હતી અને હોસ્પિટલની બહાર લાંબી કતાર લાગી હતી.
બીજી લહેર માંડ માંડ શાંત થઈ છે ત્યારે ત્રીજી લહેર આવે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. ત્રીજી લહેર આવશે તો લોકોને તેની ઓછી અસર થાય તે માટે રાજય સરકાર અનેક એકશન પ્લાન તૈયાર કરી રહી છે. તમામ અમદાવાદીઓને વેક્સિન આપી દેવામાં આવે તો ત્રીજી લહેર સામે લડવામાં સફળતા મળે તેવી શકયતા છે.
હાલ બીજી લહેર જાણે ખતમ થઈ ગઈ હોય તેવું લોકો માની રહ્યા છે. જે આવનારા દિવસોમાં આફતને નોતરી શકે છે. ખરીદીમાં સોશિયલ ડિસ્ટન્સ જેવું કાંઈ જ નથી રહ્યું કારણ કે લોકોની ભીડ જ એટલી બધી હોય છે કે ડિસ્ટન્સના છડેચોક ધજાગરા ઉડી રહ્યા છે પરંતુ માસ્ક પહેરવુ તે એક સમજદારી છે. ભલે સોશિયલ ડિસ્ટન્સનો અમલ ના થાય પરંતુ માસ્ક પહેરીને કોરોનાની ત્રીજી લહેરને આવતી રોકી શકાય છે. હાલ પોલીસના સરપ્રાઈઝ ચેકિંગથી ઘણા લોકો કે જેમણે વેક્સિન નથી લીધી તે સામે આવશે અને તેમને વેક્સિન મળી જશે.
સામાન્ય રીતે હાલ ફટાકડા બજાર, કપડા બજાર, સોના-ચાંદી બજાર સહિતની જગ્યાએ ભારે ભીડ જાેવા મળી રહી છે. દિવાળી સેલિબ્રેટ કરવામાં લોકોમાં ઉત્સાહની સાથે સાથે ઉમંગ પણ છે, કારણ કે ગત વર્ષે કોરોનાથી આવેલા લોકડાઉનમાં લોકો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હતા,
જેથી મનમૂકીને દિવાળી સેલિબ્રેટ કરી શકયા નહોતા. આ વર્ષે જે રીતે બજારમાં ભીડ જાેવા મળી રહી છે તે જાેતાં લાગી રહ્યું છે કે લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરી છે. લોકોની ભીડના કારણે પોલીસ પણ હવે એકશન મોડમાં આવી ગઈ છે. હાલ પોલીસ સાંજે ફ્રુટપેટ્રોલિંગ તેમજ સરપ્રાઈઝ ચેકિંગ કરી રહી છે. પોલીસનું કામ હાલ ભીડમાં ગ્રાહકોના સ્વાંગમાં આવતા ચોર અને તસ્કરોને રોકવાનું છે. જયારે લોકોએ વેક્સિન લીધી છે કે નહીં તેની પણ ખરાઈ કરવાનુ ંકામ હવે પોલીસ કરશે.