વેજલપુરઃ રૂપિયાની માંગણી કરતાં પતિ વિરૂદ્ધ પત્નીની ફરીયાદ
-
દારૂનાં કેસમાં પકડાયા બાદ પતિ ઘરે આવતો ન હતો, આવ્યો તો ફરીથી પત્ની સાથે મારામારી કરી
અમદાવાદ : સામાન્ય રીતે સાસરીયા દ્વારા મહિલાઓ ઊપર ત્રાસ ગુજારતાં પોલીસ ફરીયાદ થતી હોય છે. પરંતુ દહેજની માંગણી કરી રહેલો શખ્સ દારૂનાં કેસમાં પકડાયા બાદ ઘર છોડી દીધું હતું અને પરત ફરીને મહિલાને ગડદાપાટુનો માર મારતાં મહિલા વેજલપુર પોલીસ સ્ટેશને પહોંચી હતી.
આ અંગેની વિગત એવી છે કે યોગીતાબેનનાં લગ્ન ૨૦૦૩ની સાલમાં મકરબા ખાતે રહેતાં શ્રીરાજ દિનકર ચાવડા સાથે થયા હતાં. યોગીતાબેનને સંતાનમાં બે દિકરીઓ તથા એક દિકરો છે. નારોલની ખાનગી કંપનીમાં સોફ્ટવેર એન્જીનિયર તરીકે નોકરી કરતાં શ્રીરાજભાઈએ પાંચેક વર્ષ અગાઉ તેમની સગી બહેનને જરૂર હોઈ રૂપિયા આઠ લાખની મદદ કરી હતી. જેનાં પગલે દેવું થઈ જતાં શ્રીરાજભાઈ તણાવગ્રસ્ત રહેવાં લાગ્યા હતાં.
આ દરમિયાન તેમણે નોકરી પણ મુકી દીધી હતી. બાદમાં શ્રીરાજભાઈએ યોગીતાબેનને તેમનાં પિતાના ઘરેથી આ રૂપિયા લઈ આવવા દબાણ કર્યું હતું. જાકે યોગીતાબેન તેનો વિરોધ કરતાં શ્રીરાજભાઈ અવારનવાર તેમની સાથે ઝઘડો કરી શારીરિક હિંસા આચરતા હતાં.
આશરે ત્રણેક મહિના અગાઊ શ્રીરાજભાઈ દારૂનાં કેસમાં પોલીસનાં હાથે ઝડપાઈ ગયા હતા. બાદમાં ઘરે જ આવતાં નહતા. ચિંતિત યોગીતાબેને સસરાને વાત કરતાં તે શ્રીરાજભાઈને શોધીને ઘરે લાવ્યા હતા અને સાથે રહેવાનું કહેતાં શ્રીરાજભાઈ ઊશ્કેરાઈ ગયા હતા અને ફરી યોગીતાબેન સાથે ઝઘડો કર્યા બાદ ઘરેથી નીકળી ગયા હતાં.
જેનાં પગલે ત્રાસથી કંટાળેલા યોગીતાબેને છેવટે પતિ શ્રીરાજ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. જેને પગલે વેજલપુર પોલીસે શ્રીરાજ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઊલ્લેખનીય છે કે શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી ઘરેલું કંકાસના કિસ્સા અવાર નવાર સામે આવતાં હોય છે. જેમાં ક્ષુલ્લક બાબતોને લઈને મોટાં ઝઘડાં થતાં હોય છે જેનું ગંભીર પરિણામ આપે છે.