વેજલપુરના બૂટભવાની મંદિર રેલવે ક્રોસિંગ પાસે ઓવરબ્રિજ બનાવાશે
અમદાવાદ, મ્યુનિ. કમિશનર લોચન સહેરાના આગમી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના ડ્રાફ્ટ બજેટમાં વેજલપુર, મકરબા, મકતમપુરા, જુહાપુરા, જાેધપુરા અને સેટેલાઇટના રહેવાસીઓ માટે ખુશખબરી છે.
મ્યુનિ. તંત્ર દ્વારા શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનને જાેડનારો રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે. વેજલપુરના પ્રસિદ્ધ બૂટભવાની મંદિર પાસેના વસ્ત્રાપુર રેલવે સ્ટેશનને અડીને આવેલા રેલવે ક્રોસિંગ-૨૧ પર હવે ઓવરબ્રિજ બનાવાશે. કમિશનર સહેરાએ આ અંગે ડ્રાફ્ટ બજેટમાં જાહેરાત કરીને ટ્રાફિક ફ્રી અમદાવાદની દિશામાં આગેકૂચ કરી છે.
વેજલપુરના રેલવે ક્રોસિંગ-૨૧ને રેલવેતંત્ર દ્વારા પહોળુ કરાયા બાદ પણ સવાર અને સાંજના પિક અવર્સમાં ભારે ટ્રાફિક રહે છે. વેજલપુર, મક્તમપુરા, જુહાપુરાથી જાેધપુર અને સેટેલાઇટ જનારા વાહનચાલકો અને જાેધપુર સેટેલાઇથી આવનારા વાહનચાલકોની ભીડને નિયંત્રિત કરવા ટ્રાફિક પોલીસને પણ મેદાનમાં ઉતારવી પડે છે, જાેકે મ્યુનિ. કમશનરના ડ્રાફ્ટ બજેટમાં રેલવે ક્રોસિંગ દૂર કરીને ત્યાં ઓવરબ્રિજ બનાવવાની જાહેરાતથી આ વિસ્તારના હજારો લોકોને લાભ થશે.
સત્તાવાળાઓ દ્વારા આ જગ્યાએ ચાર લેનનો ઓવરબ્રિજ બનાવવાના બદલે તેને ટીપી રોડની પહોળાઇ માત્ર ૨૪ મીટર હોઇ ત્રણ લેનનો બનાવાશે. રેલવે ઓવરબ્રિજની લંબાઇ ૭૦૦ મીટર અને પહોળાઇ ૧૧ મીટર રહેશે.
વેજલપુર રેલવે ઓવરબ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકાર ૫૦ ટકા નાણાં પૂરાં પાડશે, જ્યારે ૫૦ ટકા નાણાં રેલવેતંત્ર આપશે. આ બ્રિજ પ્રોજેક્ટ માટે મ્યુનિ. સત્તાવાળાઓએ અમદાવાદના કસાર કન્સલ્ટન્ટની નિમણૂક પણ કરી દીધી છે.
મ્યુનિ. સત્તાધીશોએ આ અંગે ભાવનગર રેલવે ડિવિઝનના વડાને પત્ર પાઠવીને તેની જાણ પણ કરી દીધી છે, જ્યારે ભવાનગર રેલવે ડિવિઝન દ્વારા મુંબઇ સ્થિત પશ્ચિમ રેલવેની વડી કચેરીએ પત્ર પાઠવીને વેજલપુર રેલવે ક્રોસિંગ માટે ૫૦ ટકા નાણાંની ફાળવણી કરવા અંગેની દિશામાં ચક્રો ગતિમાન થઇ ચૂક્યા છે.
તંત્ર દ્વારા આ બ્રિજ પ્રોજેક્ટ માટે સરવેનું કામ શરૂ કરાયું છે તેમજ સોઇલ ટેસ્ટિંગ પણ હાથ ધરાશે. રેલવેતંત્રમાં બ્રિજને લગતી ડિઝાઇન પાઠવીને તેની મુંબઇની વડી કચેરીથી લીલી ઝંડી પણ મેળવાશે. આ તમામ કાર્યવાહીની સાથે-સાથે મ્યુનિ. તંત્ર દ્વારા ટેન્ડર દ્વારા બહાર પડાશે.
આ રેલવે ઓવરબ્રિજના નિર્માણ પાછળ અંદાજે રૂા.૬૦ કરોડ ખર્ચાશે અને તે બે વર્ષમાં તૈયાર થઇ લોકોપયોગી થશે.
દરમિયાન તંત્ર દ્વારા રેલવેના ભાગમાં થનાર નિર્માણ વખતે ક્રોસિંગને અવરજવર માટે બંધ કરાશે તે વખતે ટ્રાફિકને અવરજવરમાં મુશ્કેલી પડશે, જાેકે આ રેલવે ઓવરબ્રિજની આજુબાજુના બે અંડરપાસનો સ્થાનિક લોકો ઉપયોગ કરી શકશે. બ્રિજના એપ્રોચ રોડનો એક છેડો બુટભવાની મંદિર તરફ અને બીજાે છેડો રાહુલ ટાવર ચાર રસ્તા તરફ જશે. (એન.આર.)