વેજલપુરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતિના પરિવાર સાથે ઝઘડો કરી આપઘાતની ધમકી આપી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: એક તરફી પ્રેમમાં પાગલ શખ્સો દ્વારા યુવતિઓને પરેશાન કરવાના અને તેમનો પીછો કરવા જેવા કિસ્સાઓ અવારનવાર બહાર આવતા હોય છે. આવા તત્વો કેટલીક વખત ઉશ્કેરાઈ જઈને યુવતિઓ ઉપર જીવલેણ હુમલો કરવા કે અન્ય રીતે તેમને મુશ્કેલીમાં મુકવા જેવા કાર્ય કરતા પણ અચકાતા હોતા નથી.
શહેરમાં અગાઉ પણ સોલા તથા અન્ય પોલીસ સ્ટેશનની હદમાં આવા શખ્સો સામે ગુના નોંધાયા છે. આવો જ વધુ એક બનાવ વેજલપુર પોલીસની હદમાં બન્યો છે. જેમાં સાથે ભણતો યુવક યુવતિના ઘરે પહોંચી ગયો હતો અને યુવતિ સાથે લગ્ન કરવાની જીદ કરી પરિવાર સાથે ઝઘડો કર્યા બાદ આપઘાતની ધમકી આપી હતી. જા કે પરિવારે તુરત પોલીસને જાણ કરતાં યુવાન રફુચક્કર થઈ ગયો હતો.
મનિષા (નામ બદલ્યુ છે) નામની યુવતિ વેજલપુર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહે છે. અને હાલમાં અભ્યાસ કરે છે. કેટલાંક દિવસ અગાઉ તેની તબિયત લથડતા ટેસ્ટ દરમ્યાન તેને કોરોના પોઝીટીવ આવ્યો હતો. જેના કારણે મનિષા સાથે તેના સમગ્ર પરિવારને કવોરોન્ટાઈન કરવામાં આવ્યો હતો. મંગળવારે બપોરે બે વાગ્યાના સુમારે મનિષા સાથે ભણતો નયન મુલચંદભાઈ મકવાણા (સંત વિનોબાભાવે નગર, સુખરામનગર, રખિયાલ) તેમની સોસાયટીમાં આવ્યો હતો. અને ઘર નીચે ઉભો રહી બુમાબુમ કરતો હતો.
દરમ્યાન મનિષાનો પરિવાર બહાર આવતા નયને કહ્યુ હતુ કે હું તમારી દિકરી સાથે લગ્ન કરવા માંગુ છું એટલે તમારી સાથે વાત કરવી છે. જા કે તેઓ હોમ ક્વોરન્ટાઈન હોવાથી હાલમાં કોઈ વાત નથી કરવી તેમ કહીને નયનને જતાં રહેવા કહ્યુ હતુ.
પરંતુ આ વાતથી નયન અચાનક ઉશ્કેરાઈ ગયો હતો. અને ‘હું તમારી દિકરી સાથે જ લગ્ન કરીશ. તેમ કહી ઝઘડો કરવા લાગ્યો હતો. ઉપરાંત જા તેની વાત ન માની તો પોતે હાથની નસ કાપી આપઘાત કરી લેવાની તથા બધાને હેરાન કરવાની ધમકીઓે આપી હતી. નયનની આ ધમકીઓથી પરિવાર ગભરાઈ જતાં તુરંત પોલીસને જાણ કરતા પોલીસ આવે એ પહેલાં જ નયન ત્યાંથી રફ્ુચક્કર થઈ ગયો હતો. આ ઘટના બાદ મનિષાના ભાઈએ નયન વિરૂધ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.