વેજલપુરમાં પરિણીતા પર પતિ અને પુત્રીનો અત્યાચાર
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ઘરેલુ હિંસાઓની ઘટના વ્યાપક પ્રમાણમાં વધી રહી છે આવા કિસ્સાઓમાં પોલીસતંત્ર દ્વારા ત્વરિત કામગીરી કરવામાં આવે છે આ પરિસ્થિતિ વચ્ચે શહેરના વેજલપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં પતિ અને પુત્રીએ સાથે મળીને પરિણીતાને ઢોરમાર મારતા હોવાની ફરિયાદ નોંધાતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે હાલ આ મહિલા સારવાર હેઠળ છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલા શ્રીનંદનગર વિભાગ-૩ માં રહેતા રૂચાબેન અરવિંદભાઈ સોનારાના લગ્ન અરવિંદભાઈ સોનારા સાથે થયા હતા અને તેમને માનુષી નામની ૧૪ વર્ષની પુત્રી પણ છે રૂચાબેન છેલ્લા ર૩ વર્ષથી અદાણી હાઉસમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરી રહયા છે જયારે તેમનો પતિ અરવિંદભાઈ સિકયુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તાજેતરમાં જ રૂચાબેનના પિતાનું અવસાન થયું હતું પિતાના અવસાન બાદ અરવિંદ સોનારાએ રૂચાબેન ઉપર ત્રાસ ગુજારવાનો શરૂ કરી દીધો હતો અને તેને ઘરમાંથી બહાર નીકળી જવા તથા છુટાછેડા માટે દબાણ કરતો હતો.
અરવિંદ સોનારા દારૂ પીવાની ટેવવાળો છે અને તે અવારનવાર દારૂ પીને ઘરે આવ્યા બાદ રૂચાબેનને ઢોરમાર મારતો હતો અને તેમાં તેની પુત્રી માનુષી પણ જાેડાતી હતી પિતા-પુત્રી સાથે મળીને રૂચાબેન ઉપર ત્રાસ ગુજારતા હતાં તા.૧૦મીના રોજ રૂચાબેન ઓફિસેથી ઘરે પરત આવ્યા હતા આ સમયે અરવિંદ સોનારા અને પુત્રી માનુષી ઘરે હાજર ન હતા
રાત્રે બંને ઘરે પરત ફર્યા ત્યારે કોઈપણ કારણવગર ફરી એક વખત રૂચાબેન સાથે ઝઘડો કરવા લાગ્યા હતાં અને ઉગ્ર બોલાચાલી બાદ અરવિંદ સોનારાએ રૂચાબેનને ઢોરમાર માર્યો હતો આ સમયે માનુષી પણ તેની માતાને પકડી રાખતી હતી અને બીજીબાજુ અરવિંદ સોનારા તેને માર મારતો હતો જેના પરિણામે તે બેભાન બની ગઈ હતી.
છેલ્લા ચાર માસથી રૂચાબેન ઉપર અસહ્ય ત્રાસ ગુજારાતો હતો તા.૧૦મીએ ઢોરમાર મારતા રૂચાબેનની હાલત ગંભીર બની ગઈ હતી અને તેણે પોતાની માતા અને ભાઈને સમગ્ર હકીકત જણાવતા તેઓ ચિંતાતુર બની ગયા હતા અને તાત્કાલિક રૂચાબેનને ઘરે આવી તેઓને હોસ્પિટલ ખસેડયા હતાં.
પુત્રીની હાલત જાઈ માતા ખૂબ જ દુઃખી બની ગઈ હતી અને તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા ઈજાગ્રસ્ત રૂચાબેને સમગ્ર હકીકત જણાવતા સગી પુત્રી પણ માતાને ઢોરમાર મારતી હોવાની વાતથી અધિકારીઓ ચોંકી ઉઠયા છે. આ અંગે રૂચાબેને પોતાના પતિ અને પુત્રી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.