Western Times News

Gujarati News

વેજલપુરમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના ઉકેલ માટે રૂ.૩૭ કરોડના ખર્ચથી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવામાં આવશે

સ્ટ્રોમ લાઈન નાંખ્યા બાદ વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થશે – બ્રેક ડાઉનની સમસ્યા ઓછી થશે: દિલીપ બગરિયા

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ,

અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝન દરમિયાન વિકસિત કહી શકાય તેવા ધરણીધર, માણેકબાગ, વાસણા, વેજલપુર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થાય છે. જેના નિકાલમાં બે થી છ કલાક જેટલો સમય લાગે છે જયારે કેટલીક જગ્યાએ ર૪ કલાક પણ થઈ જાય છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે કોર્પોરેશન દ્વારા માણેકબાગથી એપીએમસી વાસણા અને વેજલપુરથી ફતેહવાડી સુધી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

શહેરની વેજલપુર વિધાનસભા વિસ્તારમાં ચોમાસાની સીઝન દરમિયાન વરસાદી પાણી ભરાવવાની સમસ્યા લગભગ કાયમી બની ગઈ છે પરંતુ તેના કાયમી નિરાકરણ માટે અત્યાર સુધી કોઈ કાયમી યોજના અમલમાં મુકવામાં આવી ન હતી હવે બુટભવાની મંદિર, સોનલ સિનેમા રોડ, મકરબા પોલીસ હેડ કવાર્ટસ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈન નાંખવામાં આવશે. સ્થાનિક કોર્પોરેટર અને વોટર સપ્લાય કમિટી ચેરમેન દિલીપભાઈ બગરિયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે બુટ ભવાની મંદિરથી સરખેજ ઓકાફ થઈ ફતેહવાડી કેનાલ ક્રોસ કરી સાબરમતી નદી સુધી સ્ટ્રોમ વોટર ડ્રેઈન નાંખવામાં આવશે જેના માટે અંદાજે રૂ.૩૬ કરોડનો ખર્ચ થશે.

આ લાઈન નાંખવામાં આવ્યા બાદ વેજલપુર ચોક પાસેના બળીયાદેવ મંદિરથી સોનલ સિનેમા રોડ પર પોલીસ હેડકવાર્ટસ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનો ઉકેલ આવશે તેમજ અન્ય લાઈનો પર વરસાદી પાણીનો લોડ ઓછો અથવાથી બ્રેક ડાઉનની સમસ્યા પણ ઓછી થશે. આ લાઈનનું કનેકશન સીધુ જ નદી સાથે જોડવામાં આવ્યું છે તેથી ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થશે. આ વિસ્તારમાં નીચાણવાળા ભાગમાં આવેલ સોસાયટીઓ જેવી કે બકેરી સીટી, વેજલપુર ગામ, ફલેટ અને અન્ય સોસાયટીઓના રહીશોને વરસાદી પાણી ભરાવવાથી જે તકલીફ થતી હતી તેનો કાયમી ઉકેલ આવશે.

વેજલપુર વિધાનસભામાં બુટ ભવાની મંદિરથી ફતેહવાડી કેનાલ સુધી જે સ્ટ્રોમ વોટર નાંખવામાં આવશે તેમાં પોલીસ હેડકવાર્ટરથી સરખેજ- બાવળા હાઈવે સુધી ૧ર૩૦ રનીંગ મીટરનું કામ થશે જેના માટે રૂ.૯.ર૩ કરોડનો ખર્ચ થશે જયારે નેશનલ હાઈવે ૮ની પશ્ચિમ બાજુ ર૩રપ રનીંગ મીટરના કામ માટે રૂ.૧૬.૮પ કરોડ અને સાબરમતી નદીના પશ્ચિમ તરફ માટે ૧૧પ૦ રનીંગ મીટરના કામ માટે રૂ.૧૦.રપ કરોડનો ખર્ચ થશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.