વેણ કે વધાવો કરી લૂંટ કરતી ઢબુડી ગેંગ ઝડપાઈ ગઈ
અમદાવાદ: સામાન્ય રીતે ભુવા પાસે આપણે વેણ કે વધાવો શબ્દનો પ્રયોગ સાંભળ્યો હશે પરંતુ ક્યારેય આરોપીઓએ વેણ કે વધાવો શબ્દનો ઉપયોગ કર્યો હોય તેવું ક્યારેય સાંભળવા નહીં મળ્યું હોય. પરંતુ અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ એક એવી ગેંગની ધરપકડ કરી છે જે વેણ અને વધવામાં માની લૂંટ કરતા અને તેના માટે ઢીંગલીનો ઉપયોગ કરતા હતાં. ૧૦ મી સપ્ટેમ્બરના દિવસે ધોળકાના કલિકુંડ ખાતે આવેલ એચડીએફસી બેન્કમાંથી મજૂરોને પગાર ચૂકવવા માટે રૂપિયા ૮ લાખ ૨૫ હજાર ઉપાડીને રામ વૃક્ષ કુશવાહા નામના વ્યક્તિ તેના ભાઈ સાથે ગયા હતા. ઘરેથી જમીને તેઓ આ રૂપિયા લઇ ધોળકા ખાતે આવેલ કંપનીમાં જઈ રહ્યા હતા
તે દરમિયાન ધોળકા જીઆઇડીસી નજીક એક ઇકો કાર ચાલકે તેમને અટકાવ્યા હતા અને ત્રણ આરોપીઓએ ભેગા થઈ ફરિયાદીને મારી રોકડ રૂપિયા ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયા હતા.
જોકે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને વધુ તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપીઓ ધોળકાના પુલેન સર્કલ પાસે એકઠા થવાના છે. પોલીસે વોચ ગોઠવીને પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી ૩ લાખ ૮૮ હજાર રોકડ સહિત ૬ લાખ ૭૭ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસનું કહેવું છે કે પકડાયેલા આરોપીઓમાંથી શૈલેષ ઠાકોર અને અજય ચાવડા નામના વ્યક્તિ સાબરમતી જેલમાં હતા
તે દરમિયાન તેઓની મિત્રતા થઈ હતી અને જેલમાંથી છૂટ્યા બાદ તેઓ લૂંટ કરવાના પ્લાનમાં હતા. એવામાં ફરિયાદીના કારીગર રોહિત ઠાકોર અને નવઘણ પગીએ તેઓને આ બાતમી આપી હતી. લૂંટ કરવા માટે આરોપીઓએ ફરિયાદીના રૂટની રેકી પણ કરી હતી. આ પછી પ્લાન બનાવીને લૂંટને અંજામ આપ્યો હતો.
પોલીસે લૂંટમાં સામેલ પ્રકાશ ઠાકોર, રાહુલ દેવી પૂજક, શૈલેષ ઠાકોર, નવઘણ પગી અને રોહિત ઠાકોરની ધરપકડ કરીને આ ગેંગમાં અન્ય કેટલા આરોપીઓ સામેલ છે અને આ ગેંગે અન્ય કેટલી જગ્યાએ લૂંટને અંજામ આપ્યો છે તેની વધુ તપાસ શરૂ કરી છે. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર કોઈ પણ ગુનાને અંજામ આપવા માટે માતાના વેણ કે વધાવા માટે ઢીંગલીનો ઉપયોગ કરતો હતો. જેથી આ ગેંગ ઢબુડી ગેંગના નામે ઓળખાય છે. જે ઉત્તર ગુજરાતમાં કુખ્યાત છે.