Western Times News

Gujarati News

વેપારીએ પત્નીને જબરજસ્તી ગર્ભપાતની દવા ખવડાવી

પ્રતિકાત્મક

પત્ની જ્યારે પ્રેગનેન્ટ થતી ત્યારે પતિ તેને દવાઓ આપતો, પાંચમીવાર પતિએ આવું કરતાં મહિલાની હાલત બગડી

અમદાવાદ, અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં રહેતી ૩૦ વર્ષીય મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેનો પતિ તેને ગર્ભપાત માટે દવાઓ લેવાની ફરજ પાડતો હતો, જેના કારણે તેને પાંચ વર્ષમાં પાંચ વાર મિસકેરેજ થઈ ગયું હતું.

પાંચમી વાર ગર્ભપાત થતાં મહિલાની હાલત કથળતાં તેને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાઈ ત્યારે તેને આ વાતની ત્યારે ખબર પડી હતી. આ સમગ્ર ઘટનાની વિગત કંઈક એવી છે કે, નંદા ચૌહાણ નામની મહિલાના લગ્ન ૨૦૧૪માં ધર્મેશ ચૌહાણ નામના ફર્નિચરના વેપારી સાથે થયા હતા.

લગ્નના બે વર્ષ બાદ સપ્ટેમ્બર ૨૦૧૬માં નંદાએ દીકરીને જન્મ આપ્યો હતો. ૨૦૧૭માં તે ફરી ગર્ભવતી થઈ હતી, પરંતુ તેનો પતિ બાળક નહોતો ઈચ્છતો. જેથી તેણે સાત સપ્તાહની પ્રેગનેન્સી વખતે જ ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું. ત્યારબાદ ૨૦૧૮થી ૨૦૨૦ દરમિયાન નંદાને ત્રણ વાર ગર્ભપાત કરાવવા માટે ફરજ પાડવામાં આવી હતી.

ગત બુધવારે નંદાના પતિએ પોતાના સાસુ-સસરા પાસેથી ધંધામાં ખોટ ગઈ છે તેમ કહીને ૪૦ લાખ રુપિયાની ડિમાન્ડ કરી હતી. મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, પતિએ પિયરમાંથી પૈસા લાવવા માટે કહ્યું હતું પરંતુ પોતે તેના માટે સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. જેનાથી ગુસ્સે ભરાયેલા પતિએ તેને બેલ્ટ વડે ફટકારી હતી.

પતિ જ્યારે નંદાને ફટકારી રહ્યો હતો ત્યારે સાસરિયાએ પણ તેની ઉશ્કેરણી કરીને તે મરી જાય ત્યાં સુધી ફટકારવા માટે જણાવ્યું હતું. જાેકે, જ્યારે નંદાએ તેના પતિને જણાવ્યું કે તે પ્રેગનેન્ટ છે ત્યારે તે ત્યાંથી ચાલ્યો ગયો હતો, તેવો આક્ષેપ પણ એફઆઈઆરમાં કરવામાં આવ્યો છે.

ત્યારબાદ શુક્રવારે પતિ અને સાસરિયા ફરી ઘરે આવ્યા હતા, અને ધર્મેશે નંદાને કેટલીક દવાઓ લેવા માટે ફરજ પાડી હતી. આ જ દવાઓ અગાઉ આપી તેણે ગર્ભપાત કરાવ્યો હતો. નંદાએ પોલીસને જણાવ્યું હતું કે તે સાસરિયાને કંઈ પૂછે તે પહેલા જ તેમણે તેને પકડીને ફટકારવાનું શરુ કરી દીધું હતું, અને આ દરમિયાન ધર્મેશે તેને જબરજસ્તી દવાઓ ગળાવી દીધી હતી.

જેના કારણે તેને બ્લિડિંગ શરુ થયું હતું, અને તે બેભાન થઈ ગઈ હતી. બેહોશ થતાં પહેલા નંદાએ તેના ભાઈને મેસેજ કરી દીધો હતો. જે વાંચીને નંદાનો ભાઈ તેના ઘરે આવી પહોંચ્યો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યારબાદ નંદાએ પોતાના સાસરિયા વિરુદ્ધ ઘરેલું હિંસા તેમજ ગર્ભપાત કરાવવા ફરજ પાડવાના આરોપ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.