વેપારીએ બીજા વેપારીની કારમાં એમ.ડી. ડ્રગનો જથ્થો મૂકાવ્યો
ઓઢવમાં ધંધાની હરિફાઈમાં રાજસ્થાનના વેપારીએ ડ્રગ મૂકાવીને પોલીસને જાણ કરી હતી
કારમાં ડ્રગ્સ મૂકનારા બે શખ્સોની તલાશ
અમદાવાદ,ઓઢવમાં ધંધાની હરિફાઈમાં બદલો લેવા માટે થઈને એક વેપારીએ બીજા વેપારીની ફોર વ્હીલર ગાડીમાં ૨૯ ગ્રામ એમ.ડી. ડ્રગનો જથ્થો મૂકાવીને પોલીસને જાણ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ઓઢવના રશ્મી ગોર્થ હબ એસ્ટેટના શેડ નંબર-૮૦ આગળ પાર્ક કરેલી સ્કોર્પિયો ગાડીના સ્પેર વ્હીલમાં મૂકવામાં આવેલ એમ.ડી ડ્રગનો જથ્થો પોલીસે કબજે કરીને ડ્રગ મૂકનાર નરેશ બિશ્નોઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નાના ચિલોડામાં રહેતો અભિમન્યુ બિશ્નોઈ નામનો યુવક ઓઢવમાં શેડ ધરાવીને ઇલેક્ટ્રિક પાર્ટનો ધંધો કરે છે. આજથી થોડા વર્ષાે અગાઉ જયપુરના નરેશ બિશ્નોઈ નામના શખ્સની કંપનીમાં ટ્રેનિંગ કરતો હતો. બાદમાં અભિમન્યુએ ઓઢવમાં પોતાની કંપની શરૂ કરી હતી. આ વાતનું મનદુઃખ નરેશ બિશ્નોઈને હતું અને તેણે થોડા મહિના અગાઉ અભિમન્યુને ધમકી પણ આપી હતી કે તારી જિંદગી બરબાદ કરી નાંખીશ, બસ આ જ વાતની અદાવત રાખીને નરેશ બિશ્નોઈએ રાજસ્થાનથી બે વ્યક્તિ પાસેથી એમ.ડી. ડ્રગનો જથ્થો મંગાવ્યો અને અભિમન્યુની ગાડીમાં સ્પેર વ્હીલની અંદર મૂક્યો હતો.
ઓઢવ પોલીસને રવિવારે બાતમી મળી હતી કે ઓઢવમાં આવેલા રશ્મી ગોર્થ હબ એસ્ટેટના શેડ નંબર-૮૦ની આગળ સફેદ કલરની સ્કોર્પીઓ ગાડી જે વડોદરા પા‹સગ છે. તેમાં રહેલા સ્પેર વ્હીલની અંદર એમ.ડી. ડ્રગનો જથ્થો સંતાડેલો છે. પોલીસને મળેલી બાતમીના આધારે રેડ કરતા ગાડીના સ્પેર વ્હીલમાંથી ૨૯ ગ્રામ એમ.ડી. ડ્રગનો જથ્થો મળી પણ આવ્યો હતો. ત્યારે ઓઢવ પોલીસે કાર અને ડ્રગ્સ સાથે કુલ.૧૨.૯૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યાે છે.
પોલીસે ગાડી માલિક અભિમન્યુની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આજથી થોડા વર્ષાે અગાઉ જયપુરના નરેશ બિશ્નોઈ સાથે તે કામકાજ શીખતો હતો. બાદમાં તેણે પોતાનો ધંધો શરૂ કર્યાે જેના લીધે બંને વચ્ચે ધંધાની હરિફાઈ દુશ્મનીમાં પરિવર્તિત થઈ ગઈ હતી. થોડા મહિના અગાઉ નરેશ બિશ્નોઈએ ફોન કરીને અભિમન્યુને ધમકી પણ આપી હતી. જેથી નરેશ બિશ્નોઇએ જ ડ્રગ મુકાવ્યું હોવાનો આક્ષેપ અભિમન્યુએ કર્યાે હતો. સમગ્ર મામલે ઓઢવ પી.આઈ. પી.એન.ઝીઝુવાડિયાએ ઝીણવટપૂર્વક તપાસ કરી હકીકત સામે આવી કે અભિમન્યુ વાત પોલીસ સમક્ષ કહી રહ્યો છે તે સાચી છે.
ત્યારબાદ ઓઢવ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડે જયપુરથી નરેશ બિશ્નોઈને પોલીસ સ્ટેશન લાવીને તેની પૂછપરછ શરૂ કરતા નરેશ બિશ્નોઈ ઓઢવ પોલીસ સમક્ષ ભાંગી પડ્યો અને હકીકત વર્ણવી દીધી કે ધંધાની હરિફાઈમાં બદલો લેવા માટે થઈને અભિમન્યુની ગાડીમાં એમ.ડી. ડ્રગ્સ પોતે જ મૂકાવ્યું હતું અને પોલીસને પણ તેણે જ જાણ કરી કબૂલાત કરી હતી. આ અંગે ઓઢવ પોલીસે નરેશ બિશ્નોઈની એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ધરપકડ કરી છે. ઉપરાંત રાજસ્થાન જે બે શખ્સો ડ્રગ મૂકવા માટે આવ્યા હતા તેની શોધખોળ હાથ ધરી છે.ss1