વેપારીઓને ફાયર NOC અને BU જલ્દી મેળવી લેવા સૂચના અપાઈ
(એજન્સી)સુરત, રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ અધિકારીઓ સામે ભરવામાં આવી રહેલા પગલાં બાદ સુરત પાલિકાના અધિકારીઓ પણ કડકાઈ દાખવી રહ્યાં છે.
અત્યાર સુધી ખેતીની જગ્યામાં અને પાલિકાના અનામત પ્લોટ પર બંધાયેલા ટેમ્પરરી સ્ટ્રકચર સામે કોઈ પગલાં નહીં ભરનારા અધિકારીઓએ આગામી દિવસોમાં મંજૂરી વિના કોઈ પણ ટેમ્પરરી સ્ટ્રકચરમાં વેપાર ધંધા ન થાય તેવું સ્પષ્ટ કરી દીધું છે.
જોકે, હાલમાં ટેમ્પરરી સ્ટ્રકચર માટે ફાયર એન.ઓ.સી. અને વિકાસ પરવાનગી માટે પંદર દિવસથી બે મહિનાનો સમય આપવાની વાત કરી છે. જોકે, સાથે સાથે પાલિકાએ એ પણ સ્પષ્ટતા કરી છે કે આ સમય પાલિકાની મજુરી માટેનો છે તેથી તે સમય દરમિયાન વેપાર ધંધો થઈ શકશે નહીં.
પાલિકાએ આપેલા સમય દરમિયાન પણ જો મંજૂરી નહીં મળે તો મિલકત ફરી સીલ કરવા માટેની પણ તાકીદ કરી છે. રાજકોટ દુર્ઘટના બાદ સુરત પાલિકાની સીલીંગની કામગીરી સામે વિરોધ થઈ રહ્યો છે રાજકીય દબાણ અને સમુહમાં વિરોધ કરીને સીલ ખોલવા માટે માગણી થઈ રહી છે.
જોકે, રાજકોટ દુર્ઘટના બાદ ભલામણ કરનારા સામે કોઈ પગલાં નહીં અને અધિકારીઓ સામે પગલાં ભરાતા સુરત પાલિકાના અધિકારીઓ પણ નિયમોમાં બાંધછોડ કરવા માંગતા નથી. છેલ્લા કેટલાક દિવસથી ટેમ્પરરી સ્ટ્રકચરના સીલ ખોલવા માટે માગણી થઈ રહી છે. ટેમ્પરરી સ્ટ્રકચરમાં બે પ્રકારના ધંધા થઈ રહ્યાં છે નાના સ્ટ્રકચર પતરાના બનાવાયા છે
અને બધી તરફથી ખુલ્લા છે તેવા કેટલાક નાના રેસ્ટોરન્ટ છે જ્યારે બીજા કિસ્સામાં મોટા ડોમ બનાવી દેવાયા છે. આ અંગે અનેક રજૂઆત થતાં પાલિકાના ફાયર વિભાગ અને શહેરી વિકાસ વિભાગની સંયુક્ત બેઠક મળી હતી જેમાં કેટલાક મહત્વના નિર્ણય કર્યો હતા.