વેપારીના સ્વાંગમાં આવેલા લૂંટારૂઓએ દુકાનદાર પર હુમલો કરી લૂંટ ચલાવી
પાંચ હજારથી રોકડ સહિત મોબાઈલની લૂંટ ચલાવી
અમદાવાદ,શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. જે પોલીસ માટે એક ચેલેન્જ છે. ધોળા દિવસે ટ્રાફિકથી ભરચક એવા શાહપુર વિસ્તારમં બે શખ્સ દુકાનમાં ઘૂસીને લૂંટની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા છે. લૂંટારા વેપારીના સ્વાંગમાં દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનદાર સાથે ધંધાની વાત કરી હતી. ઈમિટેશન જ્વેલરીનો માલ બતાવવાનું કહીને લૂંટારૂઓએ દુકાનદાર પાસે શટર બંધ કરાવ્યું હતું. નફાની લાલચમાં આવેલા દુકાનદારે શટર બંધ કરતાની સાથે જ લૂંટારૂઓએ તેના પર હુમલો કરી દીધો હતો. લૂંટારૂઓએ દુકાનમાં પડેલા સોલ્ડરીંગય આયર્નથી હુમલો કરી દીધો હતો ત્યારબાદ દુકાનદારના મોં પર સ્પ્રે છાંટીને પાંચ હજાર રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી.
લૂંટ કર્યા બાદ લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. જ્યારે દુકાનદાર લોહીલુહાણ હાલતમાં રોડ પર આવી જતાં આ મામલો સામે આવ્યો હતો.શાહપુર વિસ્તારમાં આવેલી ગાંધીની પોળ નજીક આનંદમય ફલેટમાં રહેતા પ૪ વર્ષીય પરેશ પાટડિયાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ લૂંટની ફરિયાદ કરી છે. પરેશ પાટડિયા ર૩ વર્ષથી શાહપુર વિસ્તારમાં રહે છે અને તેમના ફલેટની નીચે એક વર્ષથી વ્રજપ્રિયા ઈમિટેશન નામની દુકાન ધરાવીને ગુજરાન ચલાવે છે. પરેશ પાટડિયાએ માધુરીબહેન સાથે લગ્ન કર્યા છે અને તેમને સંતાનમાં એક દિકરો હર્ષિત અને બે દીકરી છે. પરેશ પાટડિયા સવારના સાડા દસ વાગ્યાની આસપાસ દુકાન ખોલે છે અને રાતના આઠ વાગ્યા સુધી ચાલુ રાખે છે.
ગઈકાલે પરેશ પાટડિયા રાબેતા મુજબ દુકાન ખોલીને ધંધો કરતા હતા ત્યારે બપોરના અઢી વાગ્યાની આસપાસ બે શખ્સ ધંધાના કામથી આવ્યા હતા. બન્ને શખ્સે આવતાની સાથે જ પરેશ પાટડિયાને કહ્યું હતું કે, અમારે તમને કામ આપવાનું છે. છ. અમે કહીએ તે પ્રમાણે તમારે કામ કરી આપવાનું રહેશે. પરેશ પાટડિયા બન્નેની વાત સાથે સહમત થઈ ગયા હતા અને તેમને માલ બનાવી આપવાની પણ હા પાડી દીધી હતી. બે શખ્સ પૈકી એક શખ્સે પરેશ પાટડીયાને કહ્યું હતું કે, અમારે માલ બતાવવો છે તો કોઈ જુએ નહીં તે માટે દુકાનનો દરવાજો બંધ કરો.
બન્ને શખ્સોની વાત પર વિશ્વાસ કરીને પરેશ પાટડિયાએ દુકાનનું શટર અડધું બંધ કરી દીધું હતું. શટર બંધ કરતાંની સાથે જ એક શખ્સે પરેશ પાટડિયા પર હુમલો કરી દીધો હતો. એક શખ્સે દુકાનમાં પડેલી સોલ્ડરિંગ આયર્ન લીધું હતું અને પરેશ પાટડિયાના માથામાં મારવા લાગ્યો હતો. ઉપરાછાપરી સોલ્ડરિંગ આયર્ન પરેશ પાટડિયાના માથામાં વાગતા તે લોહીલુહાણ થઈ ગયા હતા. દરમિયાનમાં એક શખ્સે તેની પાસે રહેલું સ્પ્રે કાઢયું હતું અને પરેશ પાટડિયાના મોં પર છાંટયું હતું. પરેશ પાટડિયાને ઝાંખું દેખાતા શખ્સોએ તેમને ગનથી મારવાનું ચાલુ રાખ્યું હતું.
શખ્સોએ પરેશ પાટડિયાને ધમકી આપી હતી કે તમારી પાસે જે કાંઈ હોય તે આપી દો નહીં તો જાનથી મારી નાંખીશું. પરેશ પાટડિયાએ તેમની પાસે રહેલા પાંચ હજાર રૂપિયા બેગમાંથી કાઢીને આપ્યા હતા. બન્ને શખ્સોએ પાંચ હજાર રૂપિયા લીધા હતા અને પરેશ પાટડિયાનો ફોન લૂંટી લીધો હતો. લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ બન્ને શટર ઉંચું કરીને નાસી ગયા હતા. જ્યારે પરેશ પાટડિયા લોહીથી લથપથ હાલતમાં દુકાનની બહાર આવ્યા હતા. પરેશ પાટડિયાને લોહીલુહાણ જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તરત જ તેમના પરિવારને જાણ કરી દીધી હતી. પરેશ પાટડિયાના પત્ની માધુરીબહેન અ ને તેમનો દિકરો હર્ષિત દોડી આવતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ શાહપુર પોલીસને થતાં તે તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી. શાહપુર પોલીસે બે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ લૂંટની ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જ્યારે તેમને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ કબજે લેવા માટે કામગીરી શરૂ કરાઈ છે.