વેપારીને ૧.૯૦ લાખની ઉઘરાણી મુદ્દે પેન્ટ ઊતારી કરંટ આપ્યો
બોપલમાં આવેલી દુકાનમાં બે શખ્સોએ ઘૂસીને પેન્ટમાં ઈલેટ્રિક વાયર નાખીને કરંટ આપતાં પોલીસમાં ફરિયાદ
અમદાવાદ, -બોપલમાં મોબાઇલની દુકાન ધરાવતા વેપારીને ઉઘરાણી મુદ્દે મારી પેન્ટ ઉતારી કરંટ આપ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. દુકાનમાં આવેલા શખ્સોએ કબજાે કરી રૂપિયાની લેતીદેતીમાં વેપારીને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ બે શખ્સોએ પેન્ટમાં ઈલેક્ટ્રીક વાયર નાખી કરંટ આપ્યો હતો. આ ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સાબરમતીના શુભદા એપાર્ટમેન્ટમાં રહેતા અને ડ્રાઈવ ઈન રોડ ખાતે મોબાઈલની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા સૌરભ ગુપ્તાના તેમના ગામના મિત્ર નરેન્દ્ર ગુપ્તા સાથે તેમની દુકાનથી બોપલ ખાતે રહેલી નરેન્દ્રની દુકાને ગયા હતા. જ્યાં હૈદર અને ચિરાગ નામના બે શખ્સ નરેન્દ્રની દુકાનમાં હાજર હતા.
તેઓ નરેન્દ્રને કહેવા લાગ્યા હતા કે, તારી દુકાન પર અમારો કબજાે છે. તે રકમ ૧.૯૦ લાખ લીધા છે તે પરત આપી દે ત્યારબાદ તારી દુકાનનો કબજાે તને આપીશું. જેથી નરેન્દ્રભાઈએ તેમને થોડા દિવસમાં પૈસા આપવાનું જણાવતા બંન્ને જણા નરેન્દ્રભાઈ પર ઉશ્કેરાઈને મારઝુડ કરવા લાગ્યા હતા.
ત્યારબાદ અક્ષય,આશિષ, જગુ, મેહુલ મકવાણા, તુષાર અને અંકીત ગોધાવી પણ દુકાને પાસે આવ્યા અને કહેવા લાગ્યા હતા કે, નરેન્દ્રને દુકાનમાં લઈલો તેને પાઠ ભણાવીયે તેમ કહી નરેન્દ્રભાઈને ઊંચા કરી દુકાનમાં લઈ જઈ લાકડાના ડંડા, પટ્ટા જેવા હથિયારોથી માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ નરેન્દ્રભાઈનું પેન્ટ કાઢી વિડીયો ઉતાર્યો હતો એટલુ જ નહીં ઈલેક્ટ્રીકના બોર્ડમાં વાયર લગાવીને નરેન્દ્રભાઈને કરંટ પણ આપ્યો હતો.
સૌરભભાઈ તેમના મિત્ર નરેન્દ્રભાઈને બચાવવા વચ્ચે પડ્યા ત્યારે આ સાતે જણાએ તેમની સાથે પણ મારઝુડ કરી હતી. ત્યારબાદ સૌરભભાઈને પૈસાનો હવાલો આપવાનો કીધો હતો. જાે કે સૌરભભાઈએ તેમના મિત્ર પાસેથી પૈસા લઈને સાતેયને પૈસા ચૂકવ્યા હતા. જાે કે આ સાતેયે એવી પણ ધમકી આપી હતી કે, જાે હવે પછી દુકાન ખોલશો તો જાનથી મારી નાખીશ. ત્યારબાદ સાતેય લોકો ત્યાંથી જતા રહ્યા હતા.
બીજી બાજુ નરેન્દ્રભાઈ બેહોશ થઈને દુકાનની બહાર પડ્યા હતા. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ સૌરભભાઈએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આશિષ, હૈદર, ચિરાગ, મેહુલ મકવાણા, તુષાર, અંકીત અને જગુના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.