વેપારી પાસેથી પૈસા પડાવતો નકલી પોલીસ ઝડપાઈ ગયો

પ્રતિકાત્મક
સુરત, સુરતમાં નકલી પોલીસ અસલી પોલીસના હાથે ઝડપાય ગયો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ જેવી જ હેર સ્ટાઈલ, ચશ્મા અને વર્દી પહેરીને ફરતો ૨૫ વર્ષીય યુવક પુણા પીઆઈનો રાઈટર હોવાનું કહીને છેલ્લા છ મહિનાથી વેપારીઓ પાસેથી પૈસા પડાવતો હતો.
જાે કે, એક વેપારીએ આ મામલે પીઆઈને જાણ કરતાં આરોપી યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. મૂળ ભાવનગરના તળાજાના ઉમરલ્લાનો અને હાલમાં સુરતમાં પુણા વિસ્તારમાં આવેલી કુબેરનગર સોસાયટીમાં રહેતાં ૨૫ વર્ષીય કુલદીપ સેલારભાઈ બારડને પોલીસનો રૌફ મારવાનો ભારે શોખ હતો.
તે પોલીસ જેવી વર્દી પહેરતો હતો અને પોલીસકર્મી જેવી હેર સ્ટાઈલ અને ચશ્મા પહેરીને ફરતો હતો. કુલદીપે પોલીસની વરદી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સ્થિત કેન્ટીનમાંથી ખરીદી હતી અને તેણે ખાસ કુલદીપ આહીર નામની નેમ પ્લેટ પણ બનાવી હતી. જે બાદ તે વેપારીઓ પાસેથી પૈસા પડાવતો હતો અને ઈંડાની લારી પર મફત જમતો પણ હતો અને પાર્સલ પણ લઈ જતો હતો. પણ અંતે તેનો ભાંડો ફૂટી ગયો હતો.