વેપારી મહેમાનોને દારૂની પાર્ટી આપે એ પહેલા પોલીસના હાથે ઝડપાયો
શામળાજી પોલીસે લાખોનો દારૂનો જથ્થો ઝડપ્યો
શામળાજી, શામળાજી પોલીસે એક જ દિવસમાં બલેનો અને સેન્ટ્રો કારમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિસનગરના કાંસાનો વેપારી રાજસ્થાનથી કારમાં વિદેશી દારૂ પુત્રીની બર્થ-ડે પાર્ટીમાં મહેમાનો માટે લઈ જતો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
શામળાજી પીએસઆઈ એસ.કે. દેસાઈ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરતા શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી કારને અટકાવવાનો પ્રયત્ન કરતા બુટલેગરે કાર ફૂલસ્પીડે હંકારી મૂકતા શામળાજી પોલીસે ફિલ્મીઢબે પીછો કરી
હાઈવે પર બ્લોક કરાવતા કારચાલક બુટલેગર અને તેની સાથે રહેલ શખ્સ કાર રોડ પર મુકી ફરાર થઈ જતા પોલીસે કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૮૪ કિ. રૂ.૧.રર લાખ રૂપિયાઅને કાર મળી રૂ.૪.રર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
શામળાજી પોલીસે અન્ય એક કારને અટકાવી તલાસી લેતા કારની પાછળની સીટમાં રહેલા થેલામાં અને પાછળ ડેકીમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-૯૦, કિ. ર૬૯૬૦/- નો જથ્થો જપ્ત કરી કારચાલક મહેશ નંદલાલ મણિયાર (રહે. સર્વોદય સોસાયટી, કાંસા- વિસનગર)ને દબોચી લઈ વિદેશી દારૂ, મોબાઈલ અને કાર મળી કુલ રૂ.૧.ર૮ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વિસનગર કાંસાનો વેપારી મહેશ મણિયાર રાજસ્થાન સાસરીમાં જઈ પરત ફરતા તેની પુત્રીનો જન્મદિવસ આવતો હોય મહેમાનોને પાર્ટી આપવા વિદેશી દારૂ અલગ-અલગ ઠેકા પરથી ભરી લઈ જતો હોવાની કબુલાત કરતા પોલીસ વિચારમાં પડી ગઈ હતી.