વેરાઈ માતાના મંદિરે યજ્ઞ પ્રજવલિત થાય ત્યારે કૂવામાં પાણી આવે છે
આમોદના દશેરા પ્લોટ ખાતે આવેલા વેરાઈ માતાના મંદિરે એક ચંડી યજ્ઞ યોજાયો.
સમસ્ત નગરજનો તેમજ આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં મહાપ્રસાદીનો લાભ લીધો : જ્યારે જ્યારે યજ્ઞ પ્રજવલિત થાય છે ત્યારે બાજુમાં આવેલ વણઝારા કુવામાંથી પાણીના ઝરા ફૂટે છે.
(વિરલ રાણા) ભરૂચ,આમોદ નગરના વાટા વિસ્તારમાં દશેરા પ્લોટ ખાતે આવેલા શ્રી વેરાઈ માતાના મંદિરે ચૈત્ર વદ તેરસના રોજ દર વર્ષે એક ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.જેમાં વાટા યુવક મંડળ તેમજ દરેક ગણેશ યુવક મંડળના સહકારથી મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.શ્રી વેરાઈ માતાના મંદિરે બપોરે શરૂ કરાયેલા એક ચંડી યજ્ઞ બાદ સાંજે શ્રીફળ હોમવામાં આવ્યું હતું.
જેમાં શ્રધ્ધાભેર માઈ ભક્તોએ શ્રીફળ હોમી માતાજીના આશીર્વાદ લીધા હતા.તેમજ સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં નગરજનો તેમજ આસપાસના ગામલોકોએ લાભ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ વાટા વિસ્તારમાં આવેલું શ્રી વેરાઈ માતાનું મંદિર વણઝારા કોમના લોકોએ બનાવ્યું હતું જે વર્ષો જૂનું મંદિર છે.
ગામલોકોના સહકારથી મંદિરનો ફરીથી જીર્ણોધ્ધાર કરીને નવું બનાવવામાં આવ્યું હતું.જે મંદિરે વર્ષોથી માન્યતા હતી કે બાજુમાં આવેલ વણઝારા કૂવામાં જ્યારે જયારે ચૈત્ર વદ તેરસના દિવસે યજ્ઞ કરવામાં આવે છે ત્યારે નજીકમાં આવેલા કૂવામાંથી પાણીના ઝરા ફૂટે છે.
શ્રધ્ધાળુઓના જણાવ્યા મુજબ આ વણઝારી કૂવો કાયમ સૂકોભટ રહે છે પરંતુ જેવો યજ્ઞ કરવામાં આવે કે તરત તેમાંથી પાણીના ઝરા ફૂટે છે.આ બાબતે આમોદના મનીષ ઠક્કરે જણાવ્યું હતું કે વણઝારાએ બનાવેલા કૂવામાં વર્ષોની માન્યતા મુજબ જ્યારે યજ્ઞ ચાલુ થાય ત્યારે કૂવામાં પાણી આવે છે જે માન્યતા આજે પણ સાકાર થઈ છે.