વેરાવળઃ નશામાં ધૂત કારચાલકે રિક્ષાને અડફેટે લેતા મહિલાનું મોત
વેરાવળ, વેરાવળ-કોડીનાર હાઈવે પર એક ક્રેટા કારના ચાલકે નશો કરી અકસ્માત સર્જતા રિક્ષામાં સવાર નગરસેવિકાના પુત્રીનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર કારની સ્પીડ એટલી હતી કે ડીવાઈડર કૂદી કાર બીજી તરફ આવી ગઈ હતી અને રિક્ષાને અડફેટે લીધી હતી.
મૃતક યુવતીના ભાઈના લગ્ન આવી રહ્યા હોય યુવતી પરિવારજનો સાથે કંકોત્રી આપી પરત આવી રહી હતી. અકસ્માતના પગલે પરિવારમાં ખુશીના માહોલમાં માતમ છવાયો હતો. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
વેરાવળ-કોડીનાર નેશનલ હાઈવે રોડ ઉપર અમરાપુર ફાટક પાસે વેરાવળ તરફથી પુરપાટ ઝડપે કોડીનાર તરફ જઈ રહેલ ક્રેટા કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર ઠેકી સામે રોંગ સાઈડમાં વેરાવળ તરફ જઇ રહેલ પિયાગો રીક્ષા નં. જી.જે. 20 ડબલ્યુ. 3447ને ધડાકાભેર અડફેટે લેતા રીક્ષા ગોથા મારી ગઈ હતી.
જેથી રીક્ષામાં બેસેલ વેરાવળ પાલિકાના નગરસેવિકા કમળાબેન ફોફંડીની પુત્રી રોશનીબેન ફોફંડી ઉ.વ.22 નું સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ નિપજતા ગમગીની પ્રસરી ગઈ હતી.
જ્યારે તેણીના પરિવારના શ્રધ્ધાબેન ફોફંડી ઉ.વ.17, પાનીબેન ફોફંડી ઉ.વ.30, મનીષાબેન ફોફંડી ઉ.વ.20, કીષ્નાબેન ફોફંડી ઉ.વ.16 સહિત સાતેક વ્યક્તિઓને ઇજાઓ સાથે વેરાવળની આદિત્ય બીરલા હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ હતા. જે પૈકીના રીક્ષાના ચાલકને જૂનાગઢ અને બીજા અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ હોવાથી વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવેલ છે.
આ અકસ્માત અંગે સુત્રાપાડાના પીએસઆઈ હેરમાએ જણાવેલ કે, અકસ્માત સર્જનાર ક્રેટા કારનો ચાલક નશો કરેલી હાલતમાં હોવાથી તેની સામે પ્રોહિબીશન અને અકસ્માતનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
અકસ્માત સર્જનાર શખ્સ સારા ગામનો હોવાનું અને તેની સામે અગાઉ પ્રોહિબીશનના ગુના નોંધાયેલા છે. જેથી તે વેરાવળ શું કરવા આવ્યો હતો ? નશો ક્યાં અને કોની સાથે કર્યો તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.