વેરાવળમાં સગા બાપે પુત્રીને ભણાવવી ન પડે તેથી ઢોર માર મારીને હત્યા કરી
જૂનાગઢ: વેરાવળનાં ઈણાજ ગામમાં પિતાએ જ ધોરણ ૧૧માં ભણતી દીકરીને બળજબરીથી ઝેરી દવા પીવડાવીને હત્યા કરી દીધાની માહિતી સામે આવી રહી છે. આ દીકરીને વધુ અભ્યાસ કરવો હતો તેથી સગા પિતા માલદે બાલુ સોલંકીએ હિચકારૂ પગલુ ભર્યું હતું.
આ મામલે મળતી માહિતી પ્રમાણે વેરાવળનાં ઈણાજ ગામે અભ્યાસ ન કરવા દેવા માટે ૧૬ વર્ષની દીકરી હિરલને બેફામ માર મારી ઝેરી દવા પીવડાવી પિતાએ હત્યા કરી નાંખ્યાનો ઘટસ્ફોટ થયો છે. પિતાએ પરિવારની સામે ગત ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૧૯નાં રોજ દીકરીને પહેલા ઢોર માર માર્યો હતો. જે બાદ પરિવારને ધમકી આપતા જણાવ્યું હતું કે, આ વાત કોઈને કહેશો તો બધાને પતાવી દઇશ. તે જ દિવસે સાંજે હિરલનાં ફરી પાછા હાથપગ બાંધી ઈલેક્ટ્રીકના સર્વિસ વાયર વડે માર મારી બળજબરીથી ઝેરી દવા પીવડાવી હત્યા કરી નાખી હતી. આ આખુ કૃત્ય તેની પત્ની કંચનબેન અને તેના પુત્ર તથા પુત્રીની સામે જ કર્યું હતું. પરંતુ આપેલી ધમકીને કારણે તે દિવસે કંઇ બહાર આવ્યું ન હતું.
થોડા દિવસો બાદ મૃતકના મામાએ તેના સાળા માલદે સામે દીકરીને મારી નાખવાનો આક્ષેપ કર્યો હતા. જેથી મૃતકની માતાએ પરીવારજનોને વાત કરેલ હતી. આ બાદ પ્રભાસપાટણ પોલીસે હિરલની નાની બહેન તથા નાનાભાઈને સાક્ષી બનાવી કોર્ટમાં તેનું નિવેદન લીધેલ હતું. જે બાદ હત્યારા પિતાનાં મોબાઇલ લોકેશનનાં આધારે ઝડપી પાડ્યો હતો. આ અંગે તપાસનીશ અધિકારી પી.આઈ. રાઠવાએ જણાવેલ હતું કે, ‘ગઈ તારીખ ૨૯-૯-૨૦૧૯ના બનાવમાં તા. ૧૮-૧-૨૦૨૦ના રોજ ફરીયાદ નોંધાયેલ છે. જે તે સમયે આરોપી પિતા પત્ની અને બાળકોને મારી નાંખવાની ધમકી આપીને ભાગી ગયો હતો પરંતુ પોલીસે ફરિયાદ નોંધાયા બાદ તેની ધરપકડ કરી લીધી છે.’