વેરાવળ-સુત્રાપાડામાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ

ગીર સોમનાથ, ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં વરસાદનું આગમન થયું છે, ત્યારે આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સવારે ૮થી ૧૦ વાગ્યાની વચ્ચે ૧૦૦ મીમી એટલે કે ૪ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. હવામાન ખાતાના જણાવ્યા મુજબ અઠવાડિયા સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.
ગીર સોમનાથ જિલ્લામાં સોમવારે પણ બપોર બાદ ધોધમાર વરસાદ પડતા મુખ્ય માર્ગો અને નીચાણવાળા અમુક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જિલ્લામાં બે કલાકમાં સૌથી વધુ સુત્રાપાડામાં સવા બે ઇચ અને વેરાવળમાં પોણા બે ઇચ વરસાદ વરસતાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા. વરસાદના પગલે ખેડુતોમાં ખુશીની લહેર જાેવા મળી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. ફોરકાસ્ટ મુજબ ૧૩થી ૨૦ જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ૪થી ૧૫ ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે. સોમવારે અમદાવાદના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા પાણી ભરાયા હતા.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદ પડેલું ચોમાસુંફરી સક્રિય થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે. જે અનુસંધાને આજે એટલે કે ૧૩ જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અનો સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ દરમિયાન ૩૦-૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી પણ સંભાવના છે. હવામાન વિભાગ મુજબ રાજ્યના અનેક પંથકમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. અહેવાલો મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહીને પગલે એનડીઆરએફની ટીમો વલસાડ પહોંચીને નીચાણવાળા વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી.
સોમવારે હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠે કરંટ અને વાઈન્ડ સ્પીડની શક્યતાને પગલે જાફરાબાદ બંદર પર ૩ નંબરનું સિગ્નલ લગાવ્યું હતું.