Western Times News

Gujarati News

વેરા સમાધાન યોજના-૨૦૧૯ની મુદત ત્રણ માસ લંબાવવામાં આવી

સરકારના નાણાં વિભાગના તા.૦૬/૧૨/૨૦૧૯ના રોજના ઠરાવથી વેરા સમાધાન યોજના જાહેર કરવામાં આવેલ છે. આ ઠરાવથી વસુલાતના બાકી કિસ્સાઓમાં અગાઉ ભરાયેલ આંશિક ભરણું પુરેપુરૂ મજરે આપવા, અગાઉના બાકી મૂળ વેરો ભર્યેથી વ્યાજ અને દંડમાં માફી આપવા, વેરા સમાધાન યોજના હેઠળ ભરવાની થતી રકમ હપ્તેથી ભરવાની સગવડ આપવા હપ્તાની રકમ ભરવામાં ચૂક થયે વ્યાજ સાથે ભરવાની સુવિધા આપવા અને ‘સી‘ ફોર્મ અંગે ચાલતી અપીલોમાં ખરાઇ ન થતાં ‘સી‘ ફોર્મના ભરવાના હપ્તામાં ૫૦ ટકા રાહત આપવા નિર્ણય કરવામાં આવેલ છે.  સરકારશ્રીની આ યોજનાને વેપારીવર્ગનો ખૂબજ બહોળો પ્રતિસાદ મળેલ અને અંદાજે ૫૧,૦૦૦ વસુલાતના કેસો માટે અંદાજિત ૩૭,૭૦૦ અરજીઓ વેરા સમાધાન યોજના હેઠળ મળેલ છે.

કોવીડ-૧૯ મહામારીના કારણે સમગ્ર રાજયમાં ૨૩ માર્ચથી લોકડાઉન જાહેર કરવામાં આવેલ જેના કારણે ઘણા વેપારીઓ પ્રથમ હપ્તો ભરી શકેલ નથી અને મોટા ભાગના વેપારીઓ એપ્રિલ અને મે માસમાં ભરવાના થતાં હપ્તા ભરી શકેલ નથી. સમાધાન યોજનાને મળેલ પ્રચંડ પ્રતિસાદ મળેલ હોવા છતાં લોકડાઉનના કારણે હપ્તાની રકમ ભરી ન શકવાથી વેપારી વર્ગ સમાધાન યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે સરકારશ્રીએ તા.૧૬/૦૬/૨૦૨૦ના ઠરાવથી સમાધાન યોજના લંબાવી યોજના અંતર્ગત પ્રથમ હપ્તો ભરવાની મુદત તા.૧૫/૦૩/૨૦૨૦થી લંબાવી તા.૩૧/૦૭/૨૦૨૦ નિયત કરેલ છે.

આથી જે વેપારી વર્ગ પ્રથમ હપ્તો ભરી શકેલ નથી તેઓ તા.૩૧/૦૭/૨૦૨૦ સુધીમાં પ્રથમ હપ્તો ભરી યોજનાનો લાભ ચાલુ રાખી શકે છે. તેમજ જે વેપારીઓએ પ્રથમ હપ્તો ભરેલ છે પરંતુ બીજો હપ્તો ભરી શકેલ નથી તેઓ પણ બીજો હપ્તો તા.૩૧/૦૭/૨૦૨૦ સુધીમાં ભરી શકે છે અને ત્યાર પછીના હપ્તા ઓગસ્ટ અને ત્યાર પછીના મહિનાઓમાં ભરવાના રહે છે. આમ વેપારીઓને સમાધાન યોજના હેઠળ હપ્તાની રકમ ભરવા ત્રણ માસ કરતાં વધારે સમયની રાહત આપવામાં આવેલ છે. ઠરાવની અન્ય જોગવાઇઓ યથાવત રાખવામાં આવેલ છે તેમ અધિક રાજ્ય વેરા કમિશનર (વહીવટ), અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.