વેલસ્પનના ૪૦૦ કર્મચારીઓની સાગમટે બદલી કરવાના મામલે આખરે કામદારો આંદોલનના માર્ગે.
કંપનીના ગેટ પાસે જ કામદારો ધરણા પર બેસી ન્યાયની માંગણી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લાના વાગરા તાલુકામાં કક્વેલ દહેજ જીઆઈડીસીની વડદલા ખાતે વેલસ્પન કંપનીમાં કર્મચારીઓને પહેલા વર્ક ફ્રોમ હોમના આદેશ બાદ અચાનક અંજાર અને ભોપાલ બદલી કરવાના હુકમ કરવાનો મામલો વધુ વિવાદિત બન્યો છે.કર્મચારીઓએ વાગરાના ધારાસભ્ય,જીલ્લા કલેકટર અને એસ.પી ને આવેદન આપ્યા બાદ આજરોજ કંપનીના ગેટ સામે જ ધરણા પર બેસી જઈ કંપની સામે વિરોધ નોંધાવતા મામલો વધુ વિવાદિત બન્યો છે.
કોરોના મહામારી દરમ્યાન વેલ્સપન કંપનીના મેનેજમેન્ટે ૪૧૬ જેટલા કામદારોને વર્ક ફ્રોમ હોમના આદેશ કરતા વિવાદ છેડાયો હતો.વર્ક ફ્રોમ હોમના આદેશ આપ્યાના થોડા દિવસમાં જ મેનેજમેન્ટે કામદારોને આર.પી.એ.ડી થી અંજાર અને ભોપાલ બદલી કરવાના હુકમ કરતા કામદારોમાં રોજગારી ગુમાવવાનો ભય ઉભો થયો હતો. કામદારોએ ન્યાય મેળવવા ધારાસભ્ય સહિત કલેકટર અને એસ.પી. ને પણ રજૂઆતો કરી હતી.દરમ્યાન આખરે કામદારોએ કમ્પનીના ગેટ પાસે જ ધરણા પર બેસી જઈ કંપની મેનેજમેન્ટ સામે આંદોલનનું રણસિંગુ ફૂંકયું છે.
ધરણા પર બેસેલા કર્મચારીઓએ કમ્પની મેનેજમેન્ટે કંપની બંધ કરવાના બદઈરાદા થી બદલીના ઓર્ડર આપ્યા હોવાના આક્ષેપ કર્યા હતા અને જ્યાં સુધી કામદારોને ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવો હુંકાર પણ કર્યો હતો.