વેલાવાળા શાકભાજી પાકોના વાવેતર માટે ટ્રેલીઝ મંડપની ૧૧૭૦ અરજીઓ મંજુર કરી રૂપિયા ૬૯ લાખની સહાય અપાઈ : કૃષિ મંત્રી

રાજ્યના ખેડૂતોને તમામ સહાય કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લામાં વેલાવાળા શાકભાજી પાકોના વાવેતર માટે ટ્રેલીઝ મંડપ તૈયાર કરવા તારીખ: ૨૬મી ફેબ્રુઆરી ૨૦૨૦ની સ્થિતિએ કુલ ૨૨૮૨ અરજીઓ મળી હતી. જેમાંથી ૧૧૭૦ અરજીઓ મંજૂર કરીને અંદાજે રૂપિયા ૬૯ લાખથી વધુની સહાય કરવામાં આવી છે. જ્યારે બાકીની પડતર અરજીઓ બનતી ત્વરાએ નિકાલ કરવામાં આવશે તેમ, વિધાનસભાગૃહમાં ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ દ્વારા નવસારી જિલ્લામાં વેલાવાળા શાકભાજી પાકોના વાવેતરમાં સહાય માટે આવેલી અરજીઓ અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં કૃષિ રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું.
મંત્રીશ્રી પરમારે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વેલાવાળા શાકભાજીના પાકોના વાવેતર માટે કાચા મંડપ, અર્ધ પાકા મંડપ અને પાકા મંડપ એમ ત્રણ પ્રકારના ટ્રેલીઝ મંડપ માટે સહાય કરવામાં આવે છે. જેમાં ત્રણ પ્રકારના ટ્રેલીઝ મંડપ માટે સામાન્ય ખેડૂત, SC, ST અને દેવીપુજક સમાજના ખેડૂતોને પ્રતિ હેક્ટર લઘુતમ રૂપિયા ૨૬,૦૦૦ તેમજ મહત્તમ રૂ.૯૦,૦૦૦ જેટલી સહાય આપવામાં આવે છે તેમ મંત્રીશ્રીએ પૂરક માહિતી આપતા ગૃહમાં જણાવ્યું હતું.