Western Times News

Gujarati News

વેસ્ટ મેનેજમેન્ટ પણ સંચાલનની એક અનોખી કળા છે

ઉત્પાદન કરીને તૈયાર માલ કે ફાઈનલ પ્રોડકટ તો બને જ છે પરંતુ આ ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઘણો એવો બિનજરૂરી કચરો કે ભંગાર આડપેદાશ તરીકે બને છે જેને પણ આયોજનપૂર્વક ઠેકાણે પડવું પડે નહીં તો તે મુશ્કેલીરૂપ બની શકે છે. આડપેદાશ બે પ્રકારની હોઈ શકે એક તદ્દન બિનઉપયોગી કદાચ તેની કચોર કે રદ્દી તરીકે ગણતરી કરી શકાય અને બીજી બાજુ કોઈક વાર કોઈ એવી આડપેદાશ હોય છે જે ભંગાર તરીકે વેચી શકાય અને તેનું કોઈ નાનું-મોટું વેચાણ મૂલ્ય આવી શકે. પહેલાં પ્રકારની વસ્તુઓની વાત કરીએ કે જે ફકત કચરો કે બગાડ છે તેનો જવાબદારીપૂર્વક નિકાલ કરવો કંપનીની અતિમહત્ત્વની નૈતિક જવાબદારી છે તે બીજા માટે અડચણ ના બને અને પર્યાવરણ કે કોઈ પણ પ્રાણી કે વ્યક્તિઓને નુકસાન ના કરે તે રીતે તેનો નિકાલ કરવો જરૂરી છે.

ઉદાહરણ તરીકે કેમિકલ કંપનીમાંથી નીકળતું દૂષિત પાણી કે બીજો એવો રસાયણોનો બગાડ કે જે કોઈ કામનો નથી. અહીં કંપનીની જવાબદારી બને છે કે તેમાંથી હાનિકારક પદાર્થો કાઢીને કે તેની અસરોને ઓછી કરીને જ તેને કુદરતી સ્ત્રોતમાં વહાવવામાં આવે અથવા તેનો નિકાલ એ રીતે કરવામાં આવે કે જેથી કોઈ પણ કુદરતી સ્ત્રોતને નુકસાન ના કરે અને પર્યાવરણ સુરક્ષિત રહે. આ બાબતો દરેક કંપની ગંભીરતાથી લે અને તેનું પાલન કરે તે માટે રાજ્યમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડની રચના કરીને પ્રદૂષિત કરતાં એકમોનું નિયમન કરવામાં આવે છે અને આ બોર્ડ પાસે તેમને બંધ કરવાની નોટિસ આપવા સુધી સત્તા હોય છે. બીજા પ્રકારની આડપેદાશની વાત કરે તો ભંગાર હોઈ શકે કે જેની કોઈ તો નજીવી કિંમત હશે. હવે પ્રથમ તો કંપનીના ઉત્પાદન વિભાગે એ રીતે આયોજન કરવું જોઈએ કે જેનાથી આ પ્રકારનો વેસ્ટ એટલે કે દુર્વ્યય ઓછો થાય કે અટકે અને તેની માત્ર બને એટલી ઓછી રહે.

હવે જે ભંગાર કે આડપેદાશ તરીકે બચે છે તેનો એક અંદાજ પહેલેથી જ હશે અને તેનાથી વધે નહીં એનું ધ્યાન રાખવું જોઈએ. કંપની પોતાના અંદાજ મુજબ આ ભંગાર કે આડપેદાશને વેચવાની પ્રક્રિયા પણ કરતી જ રહે છે અને તેના વેચાણમાં નાની-મોટી રકમની આવક થઈ શકે છે. જેમ કે ખરીદ કરેલી વસ્તુઓનું પેકિંગ મટિરિયલ, માપ મુજબ કાપી લીધા બાદ વધતા કાગળના ટુકડા કે ધાતુના ટુકડા, લાકડાના ટુકડા કે વ્હેર વગેરે. વેસ્ટ મેનેજમેન્ટનું મહત્ત્વ ઃ ઉત્પાદન પ્રક્રિયા સાથે જોડાયેલી દરેક કંપનીએ કે અસરકારક વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન બનાવવો જોઈએ અને તેનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન એક રોડ મેપ તરીકે કામ કરે છે અને જે કંપનીને લાંબાગાળાના સસ્ટેનેબલ અને ઈકોફ્રેન્ડલી પ્રેક્ટિસ, કચરો ઘટાડવા અને સુસંગત રહેવા તરફ માર્ગદર્શન આપે છે. અસરકારક વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન કચરાને જવાબદારીપૂર્વક કેવી રીતે હેન્ડલ કરવામાં આવશે તે અંગે વધુ ઉંડાણપૂર્વક અભ્યાસ કરે છે.

કયા પાસાઓ માટે કોણ જવાબદાર છે તે વ્યાખ્યાયિત કરે છે. કચરાના અંદાજિત જથ્થા અને વર્ગીકરણ, દસ્તાવેજો વાસ્તવિક આંકડાઓ આપે છે. અસરકારક વેસ્ટ મેનેજમેન્ટના ફાયદા ઃ કંપનીની વેસ્ટ વ્યવસ્થાપન યોજનામાં વિવિધ પ્રકારની વ્યવસ્થાપન પ્રથાઓના યોગ્ય અમલીકરણથી પણ નોંધપાત્ર આર્થિક લાભ થઈ શકે છે. વિવિધ પ્રકારની યોજના જેમ કે તમારા રાસાયણિક બગાડ કે દૂષિત પાણીને કોઈ પ્રકારની પ્રક્રિયા કરીને તેમાંથી પ્રદૂષણ ફેલાવતા ઘટકોને કાઢીને કે અસર ઓછી કરીને ગટર કે બીજા વ્યવસ્થામાં આગળ વહાવવા આને એફલુન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તમામ વ્યવસ્થાઓ તમારા વ્યવસાયના નાણાં બચાજછ શકે છે.

તમારા નફામાં વધારો કરી શકે છે અને કચરો ઘટાડીને તમારા પ્રોજેકટ્‌સને અસરકારક રીતે નિયત દિશામાં રાખી શકે છે જે વ્યવસાયો વેસ્ટ કરીને સારીરીતે મેનેજ કરતા નથી તેઓ ઉંચા ખર્ચ, નકારાત્મક જાહેર પ્રતિસાદ અને કાનૂની સમસ્યાઓનો પણ સામનો કરી શકે છે જેનાથી કંપનીની જાહેર છબીને નકારાત્મક અસરોથાય છે. એક સારો વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન કંપનીની આર્થિક પરિસ્થિતિ અને સામાજિક છાપને હકારાત્મક અસર કરે છે અને પર્યાવરણ થતું નુકસાન પણ ઓછું કરે છે. આયોજનપૂર્વક બનાવેલો વેસ્ટનો વ્યવસ્થાપન પ્લાન વધુ સલામતી, નવીન તકનીકો દ્વારા વેસ્ટ ઘટાડવા, સપ્લાય ચેઈનની અસરકારકતા, રો મટીરિયલની સામગ્રીની નજીકથી દેખરેખ અને વેસ્ટ મટિરિયલ સંભાળવાની શ્રેષ્ઠ પદ્ધતિઓનું કડક પાલનની ક્ષમતા વધારે છે. તે કંપનીએ કરેલા કરાર, આરોગ્ય અને સલામતી અને કચરો કે દૂષિત પદાર્થો સંબંધિત કાયદાઓનું પાલન સુનિશ્ચિત કરવામાં પણ મદદ કરશે. વ્યવસાયિક રીતે બનાવેલા અને અમલમાં મૂકાયેલ વેસ્ટના વ્યવસ્થાપન યોજના ઉદ્યોગ અને સમુદાયમાં કંપનીની પ્રતિષ્ઠા વધારીશકે છે.

સારી રીતે રચાયેલ વેસ્ટ મેનેજમકેન્ટ યોજના હાનિકારક કે દૂષિત પદાર્થોના વ્યવસ્થાપન પ્રથાઓ સાથે સંકળાયેલ પર્યાવરણીય ઘટનાઓ, અકસ્માતો અને પ્રતિષ્ઠાને નુકસાનનું જોખમ ઘટાડી શકે છે. તે ઉત્પાદનની કાર્યક્ષમતામાં પણ વધારો કરશે અને વ્યય ઘટાડવા અને રિસાઈકલિંગ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. એક અસરકારક વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન બનાવીને ઉપર મુજબમાં ધાર્યા પરિણામો લાવવા માટે કયા પરિબળોનું ધ્યાન રાખવું જોઈએ ? વેસ્ટનું પ્રમાણ અને પ્રકાર ઃ ઉત્પાદન પ્રક્રિયાઓ જોખમી અને બિનજોખમી સામગ્રી સહિત મોટા પ્રમાણમાં કચરો પેદા કરી શકે છે. કચરાના પ્રકારો (રસાયણ, ધાતુઓ, પ્લાસ્ટિક વગેરે)ની વિવિધતા માટે સલામત અને સુસંગત નિકાલ અથવા રિસાઈકલિંગની ખાતરી કરવા માટે અત્યાધુનિક વ્યવસ્થાપન વ્યુહરચનાઓ જરૂરી છે.

સંસાધનોની કાર્યક્ષમતા ઃ ઉત્પાદન ઉદ્યોગ પરંપરાગત રીતે સંસાધન-સઘન છે જે મોટા પ્રમાણમાં કાચો માલ, પાણી અને ઉર્જાનો વપરાશ કરે છે. અસરકારક કચરો વ્યવસ્થાપન આ સંશોધનોનો વપરાશ ઘટાડી શકે છે. રિસાઈકલિંગ અને પુનઃઉપયોગને પ્રોત્સાહન આપી શકે છે અને સસ્ટેનિબિલિટીમાં યોગદાન આપી શકે છે.અનુપાલન ઃ દુનિયાના દરેક દેશમાં વેસ્ટ મેનેજમેન્ટને લગતા કડક કાયદાઓ છે. કંપનીના લીગલ વિભાગ દ્વારા આ કાયદાઓનું અનુપાલન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે જો તેનું અનુપાલન ના થાય તો કંપનીની ઉત્પાદન પ્રક્રિયા બંધ કરવાનો ઓર્ડર આપવાની સત્તા પણ તે કાયદામાં પ્રશાસકોને આપેલ છે. આ તમામ બાબતોનું ધ્યાન રાખીને નિયત સમયગાળા દરમિયાન કેટલો વેસ્ટ ઓછો કરીશું તેવો પ્લાન બનાવીને તે બાબતે કંપનીના ઉત્પાદન વિભાગમાં જાગૃતતા લાવીને આગળ વધીશું તો અસરકારક વેસ્ટ મેનેજમેન્ટ થશે અને ધાર્યા પરિણામો મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.