વૈજ્ઞાનિકોએ બ્લડ ગ્રુપ એને હવે યુનિવર્સલ ડોનર બનાવી દીધું
નવી દિલ્હી, વિશ્વમાં હવે માત્ર ઓ બ્લડ ગ્રુપ જ યુનિવર્સલ ડોનર નહીં રહે. કેનેડાના વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારના બેક્ટેરિયલ એન્ઝાઈમનો ઉપયોગ કરીને બ્લડ ગ્રુપ એને પણ યુનિવર્સલ ડોનર બનાવી દીધું છે. આ કારણે હવે હોસ્પિટલોમાં લોહીની તંગીના કારણે ઓછા દર્દીઓના મોત થશે અને વધુને વધુ દર્દીઓની લોહીની જરૂરિયાત પૂરી કરી શકાશે.
માત્ર અમેરિકામાં જ દરરોજ ઈમરજન્સી સર્જરી, શિડ્યુલ્ડ ઓપરેશન અને રૂટિન ટ્રાન્સફ્યુજન માટે ૧૬,૫૦૦ લિટર લોહીની જરૂર પડે છે. પરંતુ દર્દીને કોઈ પણ ગ્રુપનું લોહી ન ચડાવી શકાય. સફળ ટ્રાન્સફ્યુજન માટે ડોનરનું બ્લડ ગ્રુપ દર્દીના લોહીના પ્રકાર સાથે મેચ થાય તે જરૂરી છે. વૈજ્ઞાનિકોએ મનુષ્યના આંતરડામાં (ગટ) એવા માઈક્રોબ્સ શોધ્યા છે જે બે પ્રકારના એન્ઝાઈમ કાઢે છે. આ એન્ઝાઈમની મદદથી વૈજ્ઞાનિકોએ ટાઈપ-એ એટલે કે એ બ્લડ ગ્રુપને યુનિવર્સલ ડોનરમાં ફેરવી દીધું છે.