વૈજ્ઞાનિક અભિગમ અપનાવી વરીયાળીની પ્રેરણાદાયક ખેતી કરી સલીમભાઇએ સફળતાના સોપાન સર કર્યા
મહીસાગર જિલ્લાનાં વિરપુર તાલુકાના વિરપુર ગામનાં પ્રગતિશીલ ખેડૂત સલીમભાઈ મહંમદભાઈ શેખ કે તેઓ ખેત વ્યવસાય સાથે પોતાના પરિવારનું ગુજરાન કરી રહ્યા છે, જેઓ ગ્રામ્ય વિસ્તારમાં પોતાની ૧ હેકટર જમીનમાં આધુનિક ખેત પદ્ધતિ અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી વરીયાળીની ખેતી કરી આર્થિક સધ્ધરતા સાથે સફળતાના સોપાન સર કર્યા છે.
આત્મા યોજના દ્વારા યોજાયેલા કૃષિમેળા અને પ્રદર્શનમાં ભાગ લઇ માર્ગદર્શન મેળવી આ ઉત્સાહી ખેડૂતે પોતાની ડાંગર, મકાઇની પરંપરાગત ખેતીની સાથો સાથ તેઓ વરીયાળીની આધુનિક ખેતી તરફ વળ્યાં છે. આત્મા યોજના દ્વારા યોજાયેલા કૃષિમેળા દરમિયાન વૈજ્ઞાનિકો તથા ખેતી અધિકારીઓ પાસેથી વરીયાળી ની ખેતી અંગેનું માર્ગદર્શન મેળવ્યું. સલીમભાઈ છેલ્લા ત્રણ વર્ષથી આત્મા પ્રોજેક્ટમાં જોડાયેલા છે.
જે પહેલા તેઓ જૂની પધ્ધતિ થી પરંપરાગત ખેતી કરતા હતા. તેઓ સારી ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ લાવવામાં ધ્યાન રાખતા ન હતા તેથી ખેતી ખર્ચના વધારા સાથે ઉત્પાદન પણ ઓછુ મળતું હતું. તેઓએ આત્મા પ્રોજેક્ટમાં તાલીમ મેળવી ખેતીલક્ષી વિવિધ જાણકારી મેળવી વૈજ્ઞાનિક પધ્ધતિ થી વરીયાળીની ખેતી કરવાની પ્રેરણાં મળી.
તેમણે વરીયાળી ખેતીની વાવણી સમયે કૃષિ વૈજ્ઞાનિકો તથા આત્મા યોજનાના અધિકારીઓ દ્વારા મળેલ માર્ગદર્શન મુજબ વૈજ્ઞાનિક અભિગમ અપનાવી સૌ પ્રથમ વરીયાળી નું ધરું તૈયાર કરી અગાઉથી તૈયાર કરેલ ખેતરમાં પુરતા પ્રમાણમાં સેન્દ્રીય ખાતર, મુળના રક્ષણ માટે ફંગસની દવા તેમજ ભલામણ મુજબ નાઈટ્રોજન ખાતર આપ્યું.સમયાંતરે આત્મા યોજનાના કર્મચારીઓ અને વૈજ્ઞાનિકોની સલાહ સુચન મુજબ ખેતરમાં પાણી, દવા અને ખાતરનો ઉપયોગ કર્યો હતો.રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરી જૈવિક ખાતરોનો વપરાશ વધુ કર્યો
જેથી પાકના ઉત્પાદનમાં વધારો થયો અને સાથે સાથે જમીનની ફળદ્રુપતા પણ વધી.રોગ અને જીવાતના પ્રશ્નને નિવારવા આગોતરું આયોજન કરતા હતા અને ભલામણ મુજબ જ દવાઓનો છંટકાવ કરતા હતા. સમયસર નિંદામણ અને આંતરખેડ કરી ખુબ માવજત પૂર્વક ખેતી કરીને વરીયાળીનું વધારે ઉત્પાદન મેળવે છે.
સલીમભાઈએ જણાવ્યું કે ઓછા જમીન વિસ્તારમાં ઓછી મહેનતે, ઓછા ખર્ચે અને વધુ આવક થતી વરીયાળીની આધુનિક ખેતી કરી ૨,૩૨૨ કિગ્રા નું ઉત્પાદન મેળવી રૂા. ૧.૪૫ લાખની આવક મેળવી છે.તેઓ સતત ચાર વર્ષ થી આ ખેતી કરી સરેરાશ વાર્ષિક રૂપિયા એક લાખ ઉપરાંતનો નફો મેળવી રહર્યા છે.
તેઓની આધુનિક વરીયાળીની ખેતી પધ્ધતિની કામગીરી જોઈ તેમના ગામના તથા અન્ય ગામના ખેડુતો પણ આવી વૈજ્ઞાનિક ખેત પધ્ધતિથી વરીયાળીની ખેતી કરવા માટે પ્રેરણા મળી છે તેમજ આ ખેતી ઓછા પાણી વાળા વિસ્તાર માટે આશીર્વાદ સમાન સાબિત થઇ છે.