Western Times News

Gujarati News

વૈશ્વિક કક્ષાએ બે યુધ્ધ રોકવામા અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપ નિષ્ફળ ??

રશિયા-યુક્રેન યુધ્ધમાં હવે બ્રિટનની એન્ટ્રીની શક્યતા, ઈજીપ્તમાં ગાઝાને લઈને શાંતિવાર્તા નિષ્ફળ રહી હોવાના અહેવાલ 

અમેરિકા- ઈઝરાયલનું આગામી ટાર્ગેટ ‘ઈરાન’ હોવાની આશંકા, અમેરિકા પુતિનને યુક્રેનમાં વ્યસ્ત રાખશે ?

ઈઝરાયલ ગાઝા પર હુમલો કરે તેવી સંભાવના ઃ યુક્રેન મુદ્દે અમેરિકાની વ્યુહાત્મક પીછેહટ, પુતિનની મિસાઈલો યુરોપને ઘમરોળશે ?

ત્રીજુ વિશ્વ યુધ્ધ તોળાઈ રહયુ છે ? આ પ્રશ્ન એટલા માટે ઉદ્‌ભવી રહયો છે કે બે મહત્વની શાંતિવાર્તાની બેઠકો નિષ્ફળ નિવડી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કી વચ્ચે હમણા જ મળેલી બેઠક નિષ્ફળ નિવડવાની સાથે ચર્ચાસ્પદ રહી છે. અમેરિકા એ ઝેલેસ્કીને આર્થિક- લશ્કરી બંને પ્રકારની મદદ આપવાનો ઈન્કાર કરી દેતા આગળ કઈક નવી દિશા ખુલે તેવી શક્યતાઓ ઉભી થઈ છે. બ્રિટન સંભવતઃ યુક્રેનની મદદે સીધુ લશ્કર ઉતાર તેમ મનાય છે.

જો આમ થશે તો યુક્રેનની મદદે અન્ય યુરોપિયન દેશો મદદમાં ઉતરશે. પરિણામે સમગ્ર ચિત્ર બદલાઈ જાય તેમ છે. યુક્રેન- રશિયા વચ્ચેના યુધ્ધની ઝાળ છેક યુરોપિયન દેશો સુધી પહોંચે તેમ છે. જોકે અચાનક અમેરિકાનું વલણ બદલાઈ રહયુ છે તેને નિષ્ણાંતો આશ્ચર્યજનક ઘટના માની રહયા છે. અમેરિકા અને રશિયા વચ્ચે દુશ્મની જગ જાહેર છે. જયારે યુરોપિયન દેશો સાથે અમેરિકાના સકારાત્મક સંબંધોમાં ધીમેધીમે કડવાશ આવી રહી હોવાની પ્રતિતી થઈ રહી હોવા છતાં ગ્લોબલી પોલીટીકસ ચાલી રહયુ છે તેમાં અમેરિકાની અંદરખાને વ્યુહરચના શું હોઈ શકે તે પણ સમજવા જેવી વાત છે.

અમેરિકા એ યુક્રેનને મદદ કરી યુધ્ધમાં ટેકો કર્યો જે યુધ્ધ ગણતરીના દિવસોમાં પુરૂ થઈ જાય તેમ હતુ તે ત્રણ વર્ષ પૂરા થયા છતં ચાલી રહયુ છે ખુદ પ્રેસીડેન્ટ ટ્રંપે ઝેલેંસ્કીને આ વાત કહી છે. હવે એ જ અમેરિકા યુક્રેનને સહાય બંધ કરવાની જાહેરાત કરી રહયુ છે. “યે બાત કુછ હજમ નહી હો રહી હૈ” કહેવાય છે કે ડીફેન્સની બાબતમાં મહાસત્તાઓમાં સરકારો બદલાય પણ નીતી એજ રહેતી હોય છે. શું ઈરાન સામે અમેરિકાની નીતિ બદલાશે? તો પછી યુક્રેનની બાબતમાં અમેરિકા કેમ પાછા પગલા ભીર રહયુ છે ? ઈરાન સામે યુધ્ધ થાય તો અમેરિકાને જંગી ખર્ચ નહી થાય ? આ તમામ પ્રશ્નો ખૂબ જ સૂચક છે.

ગ્લોબલ જીઓ પોલિટીકસ હાલમાં વૈશ્વિક કક્ષાએ જબરજસ્ત ચાલી રહયું છે. અમેરિકા હાલમાં ચાલી રહેલ યુક્રેન- રશિયા વચ્ચેનું યુધ્ધ શાંત કરાવવા માંગતુ હતું. પરંતુ હાલના તબકકે તે દેખાતુ નથી. ઝેલેંસ્કીએ યુધ્ધ વિરામનો ઈન્કાર કરી દીધા પછી હવે યુક્રેનની મદદે બ્રિટન આગળ આવે તેવી સંભાવના વ્યકત થઈ રહી છે. બ્રિટન પણ વિશ્વની એક મહાસત્તા છે તો તેની સાથે અન્ય યુરોપિયન- નાટો દેશોની એન્ટ્રી થશે તો બળતામાં ઘી હોમવા જેવી સ્થિતિ સર્જાશે. સંભવતઃ પુતિનનું ફોક્સ પછી યુરોપિયન દેશો તરફ કેન્દ્રિત થશે. મતલબ યુરોપિયન દેશો મારફતે રશિયાને બીઝી રાખવાની ગણતરીના મંડાણ તો નહી થયા હોય ને ?

બીજી તરફ અમેરિકા ઈઝરાયલ સાથે રહીને કોઈ મોટા ઓપરેશનની તૈયારીતો કરી રહયું છે ? કારણ કે ઈજીપ્તમાં ગાઝાના મામલે બીજા ચરણની શાંતિવાર્તા ચાલી રહી હતી તે નિષ્ફળ નીવડી હોવાના અહેવાલો આવી રહયા છે. હવે ઈઝરાયલ બે- ચાર અઠવાડિયામાં હમાસને ચારો તરફથી ઘેરીને હુમલો કરે તેમ મનાય છે. તેના માટે તૈયારીઓ આરંભી દેવામાં આવી હોવાનું કહેવાય છે. અમેરિકા- ઈઝરાયલ ગાઝામાં હમાસનો સંપૂર્ણ ખાત્મો કરી નાંખશે તો આ બંને દેશોનો સંયુક્ત ટાર્ગેટ ઈરાન પણ છે ઈરાનના અણુ કાર્યક્રમથી અમેરિકા નારાજ છે તો ઈઝરાયલ પણ ઈચ્છતુ નથી કે ઈરાન જેવો દેશ પરમાણુ સંપન્ન થાય.

મતલબ એ કે કદાચ અમેરિકાનું હવે પછીનું ટાર્ગેટ ઈરાન હોઈ શકે છે અને એટલે જ તેણે યુક્રેનમાંથી ઘર વાપસીનું વિચાર્યુ હોઈ શકે છે. હવે બ્રિટનની યુક્રેનમાં એન્ટ્રી થશે તો અમેરિકા કેવુ સ્ટેન્ડ લે છે તે જોવાનું રહેશે જયારે શાંતિ માટે તત્પર રશિયાના પ્રમુખ પુતિન ભારે ગુસ્સામાં આવી શકે તેમ છે. બ્રિટનની યુક્રેન યુધ્ધમાં સંભવિત એન્ટ્રી થશે તો રશિયાની મિસાઈલો યુરોપિયન દેશોને ઘમરોળી નાંખશે. તો ચીન-તાઈવાન વચ્ચે તનાતની ચાલી રહી છે અમેરિકાને લીધે ચીન તાઈવાન પર હુમલો કરતુ નથી.

એક હકીકત એ છે કે યુક્રેન યુધ્ધમાં રશિયા જેવી મહાસત્તાની જે હાલત થઈ છે તેનાથી સૌ કોઈ વાકેફ થઈ ગયા છે. જે યુધ્ધ ત્રણ દિવસ કે ત્રણ અઠવાડિયામાં ખલાસ થઈ જશે તેમ મનાતુ હતુ તે ત્રણ વર્ષ વીતી ગયા હોવા છતાં ચાલી રહયું છે. ટ્રંપ રાષ્ટ્રપતિ હોવાની સાથે એક બિઝનેસમેન છે. તેથી જ યુધ્ધથી થતી ખાના ખરાબીથી વાકેફ છે. પરંતુ અમેરિકા જેવી મહાસત્તાનું વર્ચસ્વ અને ધાક જમાવી  રાખવા માટે કેટલીક વખત પરચો આપવો પડતો હોય છે.

ત્યારે નવા રાષ્ટ્રપતિ ટ્રંપની વ્યુહરચના કેવી હોઈ શકે તે તો આગામી એકાદ-બે મહિનામાં ખ્યાલ આવી જશે હાલમાં તો વિશ્વકક્ષાએ ચાલી રહેલા બે વિનાશકારી યુધ્ધને રોકવામાં ટ્રંપ સફળ થયા નથી. ટ્રંપની આ નિષ્ફળતા ત્રીજા વિશ્વ યુધ્ધની ચિંગારી સાબિત થશે ? આ પ્રશ્નનો જવાબ કોઈની પાસે નથી. ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલુ છે તેને મહાસત્તાઓના મહામાનવો પણ જાણી શકતા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.